- બિહારમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નીતિશ સરકારનો નિર્ણય
- બિહારમાં વર્તમાન લોકડાઉનનો સમય વધારીને હવે 16 ઑગસ્ટ સુધી કરાયો
- જો કે ખાનગી કાર્યાલય તેમજ કોર્મશિયલ જગ્યાઓ ખુલ્લી રાખી શકાશે
બિહારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ત્યાં કેસને અંકુશમાં લાવવા માટે નીતિશ કુમારની સરકારે ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. સરકારે વર્તમાન લોકડાઉનનો સમયગાળો વધારીને 16 ઑગસ્ટ સુધી કર્યો છે. બિહાર સરકારના ગૃહ વિભાગે આ માટે એક સૂચના પણ બહાર પાડી છે. જો કે લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટો અપાઇ છે. તે અંતર્ગત ખાનગી કાર્યાલય તેમજ કોમર્શિયલ જગ્યાઓ ખુલ્લી રહેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર લોકડાઉન દરમિયાન દુકાન તેમજ માર્કેટ ખુલ્લા રાખવા કે નહીં તે અંગે જીલ્લાના અધિકારી નિર્ણય લેશે. આપને જણાવી દઇએ કે બિહારમાં 16મી જુલાઇથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
બિહારમાં વધતા કેસ સામે હોસ્પિટલમાં લોકોને વધુ મુશ્કેલી ના સહન કરવી પડે તે માટે હોસ્પિટલમાં વધુ સારા પ્રબંધન કરવા વહીવટી અધિકારીઓની ટીમ લગાવવામાં આવી છે.
હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે મે આઇ હેલ્પ યુ બુથ કે રિસેપ્શનની સુવિધા પ્રદાન કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના 45,919 કેસ સામે આવી ચુક્યા છે. સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 29,220 કોરોના સંક્રમિત લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. બિહાર રાજ્યમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ 67.03 ટકા છે.
(સંકેત)