ગુજરાતમાં કોરોના મહામારીને પગલે કેટલાક માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ
- કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓ આવ્યાં આગળ
- વિવિધ બજારો આંશિક બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેથી લોકોમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયો છે. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારની સાથે વેપારીઓ અને પ્રજા પણ આગળ આવી રહી છે. દરમિયાન એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટિંગ યાર્ડ સહિતના કેટલાક યાર્ડ દ્વારા હાલ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં બહારથી આવતા લોકોનું મેડિકલ ચેકીંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા ઊંઝા માર્કેટીંગ યાર્ડ તા. 25મી સુધી બંધ રાખવાનો યાર્ડના આગેવાનો અને વેપારીઓએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઊંઝાનું બજાર પણ પણ રાખવાનો વેપારીઓને નક્કી કર્યું છે. માર્કેટ યાર્ડ અને બજાર તા. 27મી સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત બોટાદ માર્કેટીંગ યાર્ડ તા. તા. 26મી સુધી બંધ રાખવામાં આવશે. જ્યારે રાણપુરમાં દુકાન બપોરના બે કલાક સુધી ખુલ્લી રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. માંડલ માર્કેટીંગ યાર્ડ પણ વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે જામનગરના જામજોધપુરનું માર્કેટિંગ યાર્ડ બંધ કરાયું છે. 21 જુલાઇથી માર્કેટિંગ યાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.