NIA દ્વારા પશ્ચિમ યુપી અને પંજાબમાં સાત ઠેકાણાઓ પર દરોડા, ISISના નેટવર્કને તોડવાની કોશિશ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે ગુરુવારે સવારે પશ્ચિમ યુપી અને પંજાબમાં સાત સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી આતંકવાદીઓ અને ભારતમાં હથિયારોની સપ્લાયર કરનારાઓનું નેટવર્ક તોડવાની કવાયતના ભાગરૂપે કરવામાં આવી છે. આના સંદર્ભે એનઆઈએને આઈએસઆઈએસ સાથે જોડાયેલા નઈમ અને અમરોહાના સુહૈલ પાસેથી મહત્વપૂર્ણ ઈનપુટ્સ પ્રાપ્ત થયા હતા.
જાણકારી મુજબ, હથિયાર સપ્લાયરોની તલાશમાં એનઆઈએ અને એટીએસની ટુકડીઓએ પશ્ચિમ યુપીના અમરોહા અને હાપુડ સહીત પંજાબમાં દરોડાની કાર્યવાહી કરી છે. અમરોહાના નાગોવા સાદાત વિસ્તારમાં એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એનઆઈએની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે એનઆઈએ દ્વારા અહીં પહેલા પણ દરોડાની કાર્યવાહી થઈ ચુકી છે.
જણાવવામાં આવે છે કે એનઆઈએની ટીમ ગુરુવારે સવારે લગભગ પાંચ વાગ્યે પોતાના સર્ચ લોકેશન પર પહોંચી હતી. સૂત્રો મજુબ, અમરોહામાં કેટલાક શકમંદ લોકો પર નજર રખાઈ રહી છે. નજીકના ભવિષ્યમાં આવા શકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર કોતવાલી વિસ્તારના ગામ અટ સૈનીમાં ગુરુવારે સવારે એનઆઈએ દ્વારા ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય બદરખા ગામમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.