પંજાબમાં કેજરીવાલની પાર્ટીને વધુ એક આંચકો, ધારાસભ્ય માસ્ટર બલદેવસિંહનું આપમાંથી રાજીનામું
એચ. એસ. ફુલ્કા અને સુખપાલસિંહ ખૈરા બાદ હવે આમ આદમી પાર્ટીના જૈતાથી ધારાસભ્ય માસ્ટર બલદેવે પણ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભાની ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીમાં આંતરીક જૂથબંધી અને બળવાખોરીને કારણે કેજરીવાલની પાર્ટી નબળી પડી રહી છે. તેને જોતા પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ એવી આમ આદમી પાર્ટીના નેતૃત્વને લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટી સંગઠનને સાબૂત રાખવામાં ખાસી મહેનત કરવી પડશે.
પંજાબમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતા માસ્ટર બલદેવસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ જૈતો વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. ગત કેટલાક મહિનાઓથી એક પછી એક નેતાઓના પાર્ટી છોડવાને કારણે આમ આદમી પાર્ટીને મોટા ફટકા પડયા છે. તાજેતરમાં પંજાબમાંથી આમ આદમી પાર્ટીના નેતા એચ. એસ. ફુલ્કા અને સુખપાલસિંહ ખૈરાએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા હતા. તેના પછી પંજાબ ખાતે આમ આદમી પાર્ટીમાં ખુલ્લેઆમ બળવો જોવા મળ્યો હતો.
મીડિયા અહેવાલ મુજબ, માસ્ટર બલદેવસિંહે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોકલ્યું છે. માસ્ટર બલદેવસિંહે પોતાના રાજીનામામાં કેજરીવાલ પર દલિત કાર્ડનો માત્ર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને વકીલ એચ. એસ. ફુલ્કા અણ્ણા આંદોલનને રાજકીય પાર્ટીમાં ફેરવવાના નિર્ણયને ખોટો ગણાવીને પાર્ટીથી અલગ થયા હતા. ફુલ્કાએ 198ના હુલ્લડ પીડિતોને ન્યાય અપાવવા માટે બિનકોંગ્રેસી પાર્ટીઓના સાથે આવવાનો ઘણીવાર ઉલ્લેખ કર્યો, તેમણે એ પણ સંદેશો આપ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ગઠબંધનની ચર્ચાથી તેઓ નારાજ હતા.
તો પાર્ટીમાંથી પહેલા જ હાંકી કઢાયેલા સુખપાલસિંહ ખૈરાએ પણ તાજેતરમાં રાજીનામામાં પાર્ટી છોડવાની પાછળ કારણ જણાવતા કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે પોતાના આદર્શોથી સંપૂર્ણપણે ભટકી ચુક છે. જે સિદ્ધાંતો પર અણ્ણા હજારેના આંદોલન બાદ પાર્ટીની સ્થાપના થઈ હતી, તેને પાર્ટી હાલ ભૂલી ચુકી છે.
પંજાબમાં વિધાનસભા ચૂંટણી બાદથી જ આમ આદમી પાર્ટીમાં જૂથબંધી અને બળવાની સ્થિતિનો પેદા થઈ છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ શક્તિ ઝોંકી દીધી હતી. ચૂંટણીથી કેટલાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પંજાબ એકમના સંયોજક સુચ્ચાસિં છોટેપુરને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના ઉપર પાર્ટી ફંડના નામે નાણાં માંગવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સુચ્ચાસિંહે આમ આદમી પાર્ટીના દિલ્હી ખાતેના નેતાઓ પર આરોપો મૂક્યા હતા. ચૂંટણી પહેલા પાર્ટીમાં વધારે ઉથલ-પાથલ જોવા મળી નથી. પરંતુ પરિણામો આવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપની સ્થિતિ જોવા મળી છે.
પંજાબના નેતાઓએ દિલ્હી એકમના નેતાઓ પર ખુલ્લેઆમ આરોપ લગાવવાના શરૂ કર્યા છે. એમ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના દિલ્હીવાળા નેતા પંજાબમાં પાર્ટીને રિમોટ કંટ્રોલથી ચલાવવા માગે છે. બાદમાં પાર્ટીનું આખું સંગઠન ફરીથી બનાવવામાં આવ્યું છે. સંજયસિંહના સ્થાન પર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને પાર્ટીના પંજાબ એકમના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને પંજાબ ખાતે પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા છે અને તેઓ નવા પદાધિકારી પણ બન્યા છે.
2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓની પાર્ટીના પંજાબ એકમમાં બિલકુલ નામમાત્રની દખલગીરી છે. તેમ છતાં પાર્ટીમાં જૂથબંધી વધી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી દળ હોવા છતાં કોઈ અસરકારક આંદોલન ઉભું કરી શકી નથી. અરવિંદ કેજરીવાલ દ્વારા બદનક્ષીના એક મામલામાં અકાલીદળના નેતા વિક્રમસિંહ મજીઠિયાની માપી માંગવામાં આવ્યા બાદ પંજાબના નેતાઓએ ફરીથી દિલ્હી ખાતેના પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
આમ આદમી પાર્ટી હવે એપ્રિલ-મેમાં યોજાવાની સંભાવના ધરાવતી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તો પંજાબમાં જૂથબંધી અને નેતાઓની નારાજગીને દૂર કરવા સિવાય પાર્ટીની પાસે અન્ય વિકલ્પ નથી. જો કે આમ આદમી પાર્ટી માટે પંજાબમાં થયેલી ઉથલ-પાથલના કારણે નુકસાનની ભરપાઈ કરવી એટલી પણ આસાન નથી.