- 8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન
- પીએમ મોદી કરશે કોરિડોરનું ઉદ્ઘાટન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી નવેમ્બરે બહુપ્રતીક્ષિત કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ટ્વિટ કરીને આપી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી કોરિડોરની શરૂઆતમાં આનાકાની કરાઈ રહી હતી અને ગુરુવારે પણ કહ્યુ હતુ કે હાલ તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી. જો કે પાકિસ્તાને કહ્યું હતું કે ગુરુ નાનકદેવજીના 550મા પ્રકાશોત્સવથી પહેલા આ કોરિડોર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.
પાકિસ્તાને કહ્યુ છે કે 9 નવેમ્બરથી શીખ શ્રદ્ધાળુ કરતારપુર સાહિબ જઈ શકશે. આ કોરિડોર કરતારપુરમાં દરબારસાહિબને ગુરુદાસપુરના ડેરા બાબા નાનકને જોડશે. ભારતીય તીર્થયાત્રી માત્ર એક પરમિટ લઈને કરતારપુર સાહિબ જઈ શકશે. 1522માં ગુરુ નાનક દેવજીએ આની સ્થાપના કરી હતી.
મહત્વપૂર્ણ છે કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય પ્રકાશોત્સવના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચે તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે કોરિડોરના ઉદ્ઘાટન સમારંભ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પણ નિમંત્રણ આપ્યું છે. જો કે કેપ્ટન અમરિન્દરસિંહે મનમોહનસિંહે આમંત્રણનો સ્વીકાર કરવાની સંભાવનાઓને નામંજૂર કરી હતી.
કેપ્ટન અમરિન્દરસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમણે સુલ્તાનપુર લોધીમાં યોજનારા કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું હતું. બંનેએ આ નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો.