દેશના પૂર્વાતરમાં આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ચીની ઘૂસણખોરીના નિશાન જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશના અંજાવમાં ચીનની ઘૂસણખોરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
અરુણાચલ પ્રદેશથી ભાજપના સાંસદ તાપિર ગાવે ઈન્ડિયા ટીવીને આ ઘૂસણખોરી સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ચીને અંજાવ ખાતે એક નાળા પર એક લાકડીનો પુલ બનાવ્યાનું દેખાઈ રહ્યું છે. આ પુલ પહેલા અહીં અસ્તિત્વમાં ન હતો. તેને તાજેતરના દિવસોમાં બનાવવામાં આવ્યો છે.
અરુણાચલ પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ તાપિર ગાવે દાવો કર્યો છે કે ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ઘૂસણખોરી કરી છે. તાપિર ગાવ પ્રમાણે, ચીની સેનાએ અંજાવ જિલ્લામાં ઘૂસણખોરી કરીને એક નાળા પર લાકડાનો પુલ બનાવ્યો છે અને ઘણાં વૃક્ષો પણ કાપ્યા છે.
જણાવવામાં આવે છે કે આ ઘટના જુલાઈ-ઓગસ્ટની છે. જ્યારે ચીનની સેના ગુપચુપ રીતે ભારતની સરહદમા દાખલ થઈ અને લાકડીનો કામચલાઉ પુલ બનાવ્યો હતો. અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો ચીનના નિયંત્રણવાળા વિસ્તારોને સ્પર્શે છે.
અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો રાજ્યના પાટનગર ઈટાનગરથી લગભગ 538 કિલોમીટરના અંતરે છે. જ્યારે દિલ્હીથી તેનું અંતર 2700 કિલોમીટર છે.