- એનઆરસી લિસ્ટ પર ટ્વિટર પર જુબાની જંગ
- અસદુદ્દીન ઓવૈસી-હેમંતા બિસ્વા શર્મા વચ્ચે ચડભડ
- ઓવૈસીએ હિંદુ રાષ્ટ્રને લઈને સાધ્યું નિશાન
આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે એનઆરસીની યાદી સામે આવ્યા બાદથી જ રાજકીય નિવેદનબાજી તીવ્ર બની છે. આ લિસ્ટના સામે આવ્યા બાદ આસામમાં રહેતા 19 લાખ લોકોની ઓળખનું સંકટ છે. તો આ મામલે રાજકીય તલવારો પણ ખેંચાઈ ગઈ છે. લિસ્ટ પર જ સવાલ ઉઠાવનારા ભાજપના નેતા હેમંતા બિસ્વા શર્મા અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની વચ્ચે ટ્વિટર પર આરપારની લડાઈ થઈ ગઈ છે.
અસદુદ્દીન ઓવૈસીએ એક ટ્વિટને રિટ્વિટ કરતા હેમંતા બિસ્વા શર્મા પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે આ સ્થિતિથી સ્પષ્ટ થઈ ગયું છે કે એનઆરસીનો ઉપયોગ મુસ્લિમોને બહાર કાઢવા માટે કરવામાં આવ્યો હતો. હેમંત બિસ્વા શર્માનું કહેવું છે કે કોઈપણ કિંમતે હિંદુઓની સુરક્ષા કરવામાં આવશે. નાગરીકોને આસ્થાના આધારે વિભાજીત કરી શકાય નહીં.
આના સંદર્ભે હેમંતા બિસ્વા શર્માએ જવાબ આપ્યો કે જો ભારત જ હિંદુઓની સુરક્ષા નહીં કરે, તો કોણ કરશે? પાકિસ્તાન? ભારત હંમેશા સતામણી પામેલા હિંદુઓ માટે ઘર હોવું જોઈએ.
બાદમાં ઓવૈસીએ વધુ એક ટ્વિટ કર્યું અને લખ્યું કે ભારતે તો તમામ ભારતીયોને બચાવવો જોઈએ, માત્ર હિંદુઓને નહીં. બંધારણમાં લખ્યું છે કે ભારત તમામ આસ્થાઓનું સમ્માન કરશે. આ હિંદુ રાષ્ટ્ર નથી અને ક્યારેય થશે પણ નહીં.
ઓવૈસીએ લખ્યું છે કે ભારત એ દેશ છે જેણે ઘણાં સતાવાયેલા લોકોને અપનાવ્યા છે, આ તમામ રેફ્યુજી છે, નાગરીક નહીં. ધર્મ ક્યારેય નાગરીકતાનો આધાર બની શકે નહીં.
31 ઓગસ્ટે એનઆરસીની જે યાદી સામે આવી છે, તેમા 19 લાખ લોકોને સામેલ કરવામા આવ્યા નથી. બાદમાં આ લિસ્ટ પર સવાલ ઉભા થવા લાગ્યા છે, આ લિસ્ટ પર માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે. જેમાં હેમંતા બિસ્વા શર્મા પણ સામેલ છે.
જો કે સતત ઉઠી રહેલા અવાજ વચ્ચે હવે સરકાર તરફથી 120 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેથી આ યાદીમાં નામ માટે ફરીથી અપીલ કરી શકાય. આના માટે રાજ્યમાં વધારેમાં વધારે સેન્ટર બનાવવામાં આવશે.