કાશ્મીર: “કોંગ્રેસ કરી રહી છે આત્મહત્યા”-ના બળાપા સાથે રાજ્યસભામાં પાર્ટીના વ્હિપ કલિતાએ આપ્યું રાજીનામું
રાજ્યસભામાં કોંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભુવનેશ્વર કલિતાએ કહ્યુ છે કે આજે કોંગ્રેસે મને કાશ્મીર મુદ્દા સંદર્ભે વ્હિપ જાહેર કરવાનું કહ્યું, જ્યારે સચ્ચાઈ એ છે કે દેશનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે અને આ વ્હિપ દેશની જનભાવનાની વિરુદ્ધ છે.
ભુવનેશ્વર કલિતાએ કહ્યુ ખે પંડિત જવાહરલાલ નહેરુએ ખુદ અનુચ્છેદ-370નો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે એક દિવસ ઘસાતા-ઘસાતા આ સમાપ્ત થઈ જશે.
કલિતાએ કહ્યુ છે કે આજની કોંગ્રેસની વિચારધારાથી લાગે છે કે કોંગ્રેસ આત્મહત્યા કરી રહી છે અને હું આમા કોંગ્રેસનો ભાગીદાર બનવા ઈચ્છતો નથી. હું આ વ્હિપનું પાલન કરીશ નહીં અને હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીશ.
ભુવનેશ્વર કલિતાએ કહ્યુ છે કે આજની કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ સંપૂર્ણપણે પાર્ટીને તબાહ કરવાનું કામ કરી રહ્યુ છે. મારું માનવું છે કે હવે આ પાર્ટીને તબાહ થવાથી કોઈ બચાવી શકશે નહી.