નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે સહયોગી સંગઠનોએ હિંદી માધ્યમમાં પણ એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરવાની તરફદારી કરી છે. તેના માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને પ્રસ્તાવ પણ આપ્યો છે. સંઘના સહયોગી સંગઠનો સંસ્કૃત ભારતી અને સંસ્કૃત સંવર્ધન ફાઉન્ડેશનની તાજેતરમાં થયેલી બેઠક બાદ આ પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવ્યો છે. સંસ્કૃત ભારતીને આશા છે કે કેન્દ્રમાં અનુકૂળ સરકાર હોવાના કારણે નવી શિક્ષણ નીતિમાં તેના પ્રસ્તાવને જરૂર સામેલ કરવામાં આવશે.
શિક્ષણ અને ભાષાના ક્ષેત્રમાં કામ કરી રહેલા સંઘના સહયોગી સંગઠનોનું માનવું છે કે મેઘાવી હોવા છતાં પણ અંગ્રેજી નબળું હોવાને કારણે હિંદી બેલ્ટના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં જવાનું સાહસ કરી શકતા નથી. જે જાય છે, તેમને ભાષાની સમસ્યા નડે છે. અંગ્રેજી નબળું હોવા માત્રથી જ કોઈ મેઘાવી બાળક માટે એન્જિનિયરિંગ અને ડોક્ટર બનવાનો માર્ગ સમાપ્ત થવો જોઈએ નહીં. મેઘાવીઓના સપનાના સંસાર માટે ભાષા બાધક બનવી જોઈએ નહીં.
સંઘનું માનવું છે કે જો ભારતમાં વ્યવસાયિક અભ્યાસક્રમ હિંદીમાં ભણાવવામાં નહીં આવે, તો પછી ક્યાં દેશમાં ભણાવવામાં આવશે. તેવામાં સંઘે હિંદી ભાષામાં પણ વ્યવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવી રહેલી નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણવિદ્દો અને સંગઠનો તરફથી સૂચનો માંગવામાં આવ્યા છે. જેના પર સંસ્કૃત ભારતી અને સંસ્કૃત સંવર્ધન ફાઉન્ડેશન તરફથી બીટેક, એમટેક અને એમબીબીએસ-એમડી વગેરે અભ્યાસક્રમોને હિંદીમાં પણ ભણાવવાનું શરૂ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
સંસ્કૃત ભારતીના દિલ્હી પ્રાંતના મંત્રી કૌશલ કિશોર તિવારીએ કહ્યુ છે કે વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પણ હિંદી ભાષી સ્ટૂડન્ટ્સ મટે તો દ્વાર ખોલવા જ પડશે. અંગ્રેજી નબળું હોવાથી જ મેઘાવી સ્ટૂડન્ટ્સ માટે તો એન્જિનિયરિંગ અને મેડિકલની દુનિયા ખતમ થઈ જતી નથી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયને સંસ્કૃત ભારતી તરફથી ઘણાં પ્રસ્તાવ આપવામાં આવ્યા છે. જેમા એક પ્રસ્તાવ એન્જિનિયરિંગ, મેડિકલ સહીત દરેક પ્રોફેશનલ કોર્સિસમાં હિંદીમાં અભ્યાસક્રમ શરૂ કરવાનો છે. સરકારને કહેવામાં આવ્યું છે કે તે પ્રોફેશનલ કોર્સિસ માટે હિંદીમાં પણ અભ્યાસક્રમ બનાવે. સરકારને સંસ્કૃત ભારતીની માગણી પર ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.