ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ભોજપુરમાં દલિતોએ પોલીસ ફરિયાદ કરી છે કે મુસ્લિમોના સલમાની સમુદાય કે જેને પહેલા હજામ તરીકે ઓળખવામાં આવતા હતા, તેમણે દલિતોના વાળ કાપવાનો અને દાઢી કરવાનો ઈન્કાર કર્યો છે.
આ મામલામાં પીપલસાના ગામના ત્રણ મુસ્લિમ હજામો વિરુદ્ધ રવિવારે 14મી જુલાઈએ એસસી-એસટી એટ હેઠળ નામજદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે આ કાર્યવાહી દલિત મહેશચંદ્રના રિપોર્ટ પર કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ, મુરાદાબાદ જિલ્લાના પીપલસાના ગામમાં મુસ્લિમ હજામ દલિત સમુદાય સાથે સબંધિત લોકોની દાઢી કરવાનો અને વાળ કાપવાનો ઈન્કાર કરે છે. દલિત સમુદાયના લોકો આનાથી ઘણાં પરેશાન છે.
આ મામલાના ફરિયાદી 45 વર્ષીય મહેશચંદ્ર પ્રમાણે, જ્યારે તેમણે મામલાની જાણકારી પોલીસને આપી, તો ગામમાં એક બેઠક આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં હજામોએ પોલીસની સામે દલિતોની દાઢી કરવા અને વાળ કાપવા માટે સંમતિ તો દર્શાવી દીધી. પરંતુ તેમણે દલિતોની ફરિયાદના વિરોધમાં પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.
તેના પછી મહેશચંદ્રની ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ-504, 39(1)ઝેડએડી, 3(1)ઝેડસી અને એસસી-એસટી એક્ટ પ્રમાણે ત્રણ લોકો રિયાઝ, ઈશહાક અને ઝાહિદને નામજદ કર્યા છે. આ મામલાની તપાસ ડીએસપી વિશાલ યાદવ કરી રહ્યા છે. વિશાલ યાદવે કહ્યુ છે કે તપાસમાં જાણકારી મળી છે કે બંને સમુદાય વચ્ચે કેટલાક દિવસો પહેલા કેટલીક ઘટનાઓ બની હતી, તેના પછી વાળંદ સમુદાયે અન્ય લોકોના વાળ કાપવાનું બંધ કર્યું. જો કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો છે, તો તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલામાં ગામના દલિત રાકેશ કુમારે કહ્યુ છે કે અસ્પૃશ્યતાને પ્રોત્સાહીત કરનારી આવી વાતો દશકાઓથી થતી આવી છે. પરંતુ હવે અમે આની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. રાકેશે કહ્યુ છે કે તેમના પિતા અને પૂર્વજોએ વાળ કપાવવા માટે ભોજપુર અથવા શહેરમાં જવું પડતું હતું, પરંતુ સલમાની સમુદાય અમને સ્પર્શ કરવાથી દૂર રહે છે. પરંતુ હવે સમય બદલાય ચુક્યો છે અને અમે આની વિરુદ્ધ અમારો અવાજ ઉઠાવીશું.