1. Home
  2. revoinews
  3. કારમી હાર બાદ કોંગ્રેસનું ખિસ્સુ સંકોચાયું, પગારમાં કાપ કરવા લાચાર બની પાર્ટી
કારમી હાર બાદ કોંગ્રેસનું ખિસ્સુ સંકોચાયું, પગારમાં કાપ કરવા લાચાર બની પાર્ટી

કારમી હાર બાદ કોંગ્રેસનું ખિસ્સુ સંકોચાયું, પગારમાં કાપ કરવા લાચાર બની પાર્ટી

0
Social Share

નવી દિલ્હી: 2014 બાદ 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ માટે કંઈપણ ઠીકઠાક ચાલી રહ્યું નથી. દેશની સત્તા પર સૌથી વધારે સમય કાબિજ રહેનારી કોંગ્રેસની હવે પરિસ્થિતિ એવી છે કે તે હાલ તે અધ્યક્ષ વગરની પાર્ટી છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે. તેની સાથે કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતા પોતપોતાના પદો પરથી રાજીનામા આપી ચુક્યા છે. તેની અસર પાર્ટીની કાર્યપ્રણાલી પર પણ જોવા મળી રહી છે. સૂત્રોને ટાંકીને આવતા અહેવાલ મુજબ, હાર  બાદ કોંગ્રેસ પાર્ટ ખર્ચમાં ઘટાડો કરવા માટે મજબૂર છે. પાર્ટીના ઘણાં એકમોને આપવામાં આવેલા ફંડમાં ઘટાડો કરવામાં આવ્યાના પણ અહેવાલ છે.

સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે કોંગ્રેસ સેવાદળના માસિક ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાર્ટી હવે કોંગ્રેસ સેવાદળને અઢી લાખના સ્થાને બે લાખ રૂપિયા મહીને આપી રહી છે. તેની સાથે પાર્ટીએ મહિલા કોંગ્રેસ, નેશનલ સ્યૂડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા અને યૂથ કોંગ્રેસને પણ ખર્ચામાં ઘટાડો કરવા માટે જણાવ્યું છે.

સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ મુખ્યમથકમાં કામ કરી રહેલા કર્મચારીઓને હાર બાદ અત્યાર સુધી વેતન મળ્યું નથી. માત્ર કોંગ્રેસ સંગઠનના કર્મચારીઓને સમયસર પગાર મળ્યો છે. તેની સાથે જ પાર્ટીના સોશયલ મીડિયા વિભાગના 55 કર્મચારીઓમાં હવે માત્ર 35 જ બચ્યા છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ સોશયલ મીડિયા વિભાગના કર્મચારી પહેલા જ નોકરી છોડીને ચાલ્યા ગયા હતા. બાકી બચેલા કર્મચારીઓને પણ વિલંબથી પગાર મળી રહ્યો છે.

પાર્ટીના એક વરિષ્ઠ સૂત્રે શુક્રવારે આઈએએનએસને જણાવ્યુ છે કે સીડબલ્યૂસીની બેઠક માટે આગામી દિવસોમાં એક તારીખે નક્કી કરવામાં આવશે. જેમાં પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ પદ પર નિર્ણય કરવામાં આવસે. નેતૃત્વ સંકટ વચ્ચે, કોંગ્રેસના જૂના અને વરિષ્ઠ સદસ્યોએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને કામચલાઉ ધોરણે પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે આગ્રહ કર્યો છે. પરંતુ તેમણે કથિતપણે ખરાબ સ્વાસ્થ્યને ટાંકીને અનુરોધ ઠુકરાવ્યો છે.
કાર્યવાહક અધ્યક્ષ પદ માટે ઘણાં વરિષ્ઠ નેતાઓના નામ આગળ ચાલી રહ્યા છે. તેમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જૂન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ કુમાર શિંદે સામેલ છે. સિંધિયાએ જો કે કહ્યુ છે કે તેઓ ટોચના પદની દોડમાં નથી.

આ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે 134 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસમાં વિખેરણ થતું દેખાઈ રહ્યું છે. પાર્ટીના ટોચના નેતૃત્વ સ્તર પર ઉથલ-પાથલ વચ્ચે રાજ્યોમાં ધારાસભ્યો અને નેતા પાર્ટી સાથે સંબંધ તોડવા લાગ્યા છે. ગત એક માસમાં તેલંગાણા, કર્ણાટક અને ગોવામાં કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા છે. પાર્ટીને સૌથી મોટો ધક્કો કર્ણાટકમાં લાગ્યો છે, જ્યાં કોંગ્રેસ માટે સત્તા ગુમાવવાની નોબત આવી ચુકી છે.

કર્ણાટકમાં છ જુલાઈ બાદ કોંગ્રેસના 79 ધારાસભ્યોમાંથી 13 રાજીનામા આપી ચુક્યા છે. જેના કારણે કર્ણાટકમાં 13 માસ જૂની ગઠબંધન સરકાર માટે સંકટ પેદા થઈ ચુક્યું છે.

ગોવામાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત કવલેકરની આગેવાનીમાં 10 ધારાસભ્યોએ 17 જુલાઈએ પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તેના કારણે હવે ભાજપના ગોવા વિધાનસભામાં 27 ધારાસભ્યો થઈ ચુક્યા છે. 40 ધારાસભ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર પાંચ ધારાસભ્યો બાકી બચ્યા છે.

તેના એક માસ પહેલા તેલંગણામાં પાર્ટીના 18 ધારાસભ્યોમાંથી 12 પક્ષ છોડીને તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં સામેલ થઈ ચુક્યા છે.

લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હાર મળી છે. 542 સંસદીય બેઠકોમાંથી પાર્ટીને માત્ર 52 બેઠકો પર જીત મળી શકી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા, પરંતુ અમેઠી બેઠક પરથી હાર્યા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હાર મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code