નવી દિલ્હી: ચીનની સેનાએ ભારતીય સીમામાં દાખલ થવાનું ફરીથી દુસ્સાહસ દેખાડયું છે. ચીનના સૈનિકોને લડાખમાં 6 કિલોમીટર અંદર ભારતીય સરહદમાં જોવામાં આવ્યા છે. સીએનએન ન્યૂઝ-18એ એક તસવીરને ટાંકીને દાવો કર્યો છે કે 6 જુલાઈના રોજ ચીનના સૈનિકો ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલથયા હતા. મહત્વપૂર્ણ છે કે આ સીમાની અંદર આ ઘૂસણખોરી એ સમયે થઈ છે, જ્યારે લડાખના કેટલાક લોકો બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા હતા. તે દરમિયાન ચીનના સૈનિકો ત્યાં પહોંચ્યા અને તેમને જન્મદિવસની ઉજવણી કરતા રોક્યા હતા.
સીએનએન ન્યૂઝ 18ના જણાવ્ય પ્રમાણે, ચીનના સૈનિકોના સીમાની અંદર દાખલ થવાની ખબર લડાખના એક ભૂતપૂર્વ સાંસદે આપી છે. સાંસદે સ્થાનિક મહિલા સરપંચ દ્વારા મોકલવામાં આવેલી તસવીરોને ટાંકીને ઘૂસણખોરીની વાત કહી છે. ન્યૂઝ ચેનલે ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ સાંસદ રેગજિને કહ્યુ છે કે ભારતીય સીમામાં ચીન સતત દુસ્સાહસ કરતું રહેછે અને તેની ભારતને જાણકારી રહે છે. પરંતુ આ મામલા પર કોઈપણ અવાજ ઉઠતો નથી. મીડિયા પણ ખામોશ રહે છે અને ભારત સરકાર પણ ચુપકીદી સાધે છે.
ભૂતપૂર્વ સાંસદનો દાવો છે કે આ વિસ્તારમાં ચીનના સૈનિકોને ત્રણથી ચાર વખત જોવામાં આવ્યા છે. પરંતુ ભારતે તેના સંદર્ભે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. તેમણે કહ્યુ છે કે સરકારે આ મામલા પર આકરો વાંધો વ્યક્ત કરવો જોઈએ અને નક્કર કાર્યવહી કરવી જોઈએ. તેમણે ન્યૂઝ ચેનલને કહ્યુ છે કે ચીનની આવી કરતૂતને સ્થાનિક મહિલા સરપંચે ઉજાગર કરી છે. તેણે સાહસ દર્શાવતા તસવીરો લીધી છે અને જાણવાની કોશિશ કરી છે કે વાસ્તવિક સ્થિતિ શું છે?