કર્ણાટકનું રાજકીય સંકટ: સુપ્રીમ કોર્ટમાંથી સ્પીકરને મળી મોહલત,યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કર્ણાટકના રાજકીય સંકટન મામલે દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ પર શુક્રવારે એકસાથે સુનાવણી કરી છે. પહેલી અરજી 10 બળવાખોર ધારાભ્યોએ, બીજી અરજી કર્ણાટક વિધાનસભાના સ્પીકર અને ત્રીજી અરજી યૂથ કોંગ્રેસના નેતા અને વકીલ અનિલ ચાકો જોસેફ તરફથી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે મંગળવારે આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિધાનસભા સ્પીકર ન તો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેશે અને ન તો તેમને અયોગ્ય ઠેરવી શકશે.
જો કે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાક આકરા સવાલો પણ પુછયા હતા. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વિધાનસભા સ્પીકર તરફથી રજૂ થયેલા વકીલને સવાલ કર્યો હતો કે શું સ્પીકર પાસે સુપ્રીમ કોર્ટના આદેશને પણ પડકારવાની શક્તિ છે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે રાજીનામું આપનારા ધારાસભ્યોનો ઈરાદો કંઈક અલગ છે, આ અયોગ્યતાથી બચવા માટે છે. તેમણે એમ પણ કહ્યુ છે કે વિધાનસભા અધ્યક્ષ જ્યાં સુધી સંતુષ્ટ નહીં થાય કે રાજીનામું કોઈપણ દબાણ વગર ધારાસભ્યોએ પોતાની મરજીથી આપ્યું છે, ત્યાં સુધી તે નિર્ણય લઈ શકે નહીં. આદલીલના પક્ષમાં તેમણે આર્ટિકલ-190ને ટાંક્યો હતો. બળવાખોર ધારાસભ્યો તરફથી દાખલ અરજીઓ પર યૂથ કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. યૂથ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના 400 કાર્યકર્તાઓ મામલામાં પાર્ટી બનવા ચાહે છે.
મહત્વપૂર્ણ છે કે સ્પીકરે ગુરુવારે સુપ્રીમ કોર્ટના આદેશની પરવાહ નહીં કરતા તાત્કાલિક નિર્ણય લેવાનો ઈન્કાર કર્યો અને કહ્યુ કે તેમની પાસેથી એ આશા કરવી જોઈએ નહીં કે તેઓ વીજળી વેગે કામ કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 10 બળવાખોર ધારાસભ્યોને સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકરની સામે રજૂ થવાનો નિર્દેશ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે કહ્યુ હતુ કે જો ધારાસભ્ય રાજીનામું આપવા માટે ઈચ્છુક છે, તો તેની જાણકારી સ્પીકરને આપે. કોર્ટે સ્પીકરને પણ અનુરોધ કર્યો હતો કે તેઓ ધારાસભ્યોને સાંભળે અને તાત્કાલિક આના સંદર્ભે નિર્ણય કરે. સ્પીકર જે પણ નિર્ણય કરે, તે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવે.