નવી દિલ્હી: સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થનારી ઘૂસણખોરીમાં 2019 દરમિયાન 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે એક સવાલના જવાબમાં ગૃહને આની જાણકારી આપી હતી. પોતાના જવાબ દરમિયાન તેમણે ફેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગૃહ રાજ્ય પ્રધાન ગૃહમાં એક લેખિત સવાલનો જવાબ આપી રહ્યા હતા. સવાલમાં સરકારને પુછયું હતું કે શું 26 ફેબ્રુઆરીએ થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ જમ્મુ-કાશ્મીરમાં થનારી ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે? આના સંદર્ભે જવાબ આપ્યો કે રાજ્યમાં સુરક્ષાદળોની સંગઠિત કોશિશોના કારણે સ્થિતિ સારી થઈ છે. નિત્યાનંદ રાયે કહ્યુ છે કે સરકારે સીમા પર ચાલી રહેલા આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. સુરક્ષાદળોના સંગઠિત અને રણનીતિક કોશિશોના કારણે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા 2018ની સરખામણીમાં આ વર્ષે પહેલા છ માસમાં સારી થઈ છે. કુલ ઘૂસણખોરીમાં પણ 43 ટકાનો ઘટાડો થયો છે.
ગૃહ રાજ્યપ્રધાને એ જણાવ્યુ છે કે રાજ્ય સરકારની સાથે મળી, કેન્દ્ર સરકારે સીમાપારથી ચાલી રહેલી ઘૂસણખોરીને રોકવા માટે ઘણાં ઉપાય કર્યા છે. આ ઉપાયોમાં બોર્ડર અને એલઓસી પર ઘણાં સ્તરો વાળી સુરક્ષા વ્યવસ્થા, બોર્ડર ફેન્સિંગ, સારુ ઈન્ટેલિજન્સ અને ઓપરેશનલ કોઓર્ડિનેશનની સાથે જ સુરક્ષાદળોના સારા ઉપકરણોથી સજ્જ કરવાની વાત કહી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યુ છે કે આતંકી ઘટનાઓમાં પણ 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યુ છે કે આતંકવાદીઓ સાથે જોડાયેલા ઘટનાક્રમોમાં 28 ટકાનો ઘટાડો થયો છે. કુલ ઘૂસણખોરીમાં 3 ટકા, સ્થાનિક યુવાનોની ભરતીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તો આતંકવાદીઓને સમાપ્ત કરવાનો દર વધ્યો છે. જી. કિશન રેડ્ડીએ કહ્યુ છે કે આતંકવાદીઓના ખાત્મામાં 22 ટકાનો વધારો થયો છે.