બેંગલુરુ: કર્ણાટકમાં ધારાસભ્યોના સતત રાજીનામાથી ભાજપમાં સરકાર બનાવવાની આશાઓ પરવાન ચઢી રહી છે, તેવામાં કુમારસ્વામીની સરકારને સંકટથી બચાવવા માટે કોંગ્રેસ મોટો દાવ ચાલી રહી છે. કોંગ્રેસે પોતાના હાલના પ્રધાનોને રાજીનામા અપાવી દીધા છે અને બળવાખોર ધારાસભ્યોને પ્રધાન બનાવીને કુમારસ્વામી સરકારને બચાવવાનો આખરી દાવ ખેલવામાં આવ્યો છે.
કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ અપક્ષ ધારાસભ્ય નાગેશે પણ પોતાનું પ્રધાન પદ છોડયું છે. તેની સાથે નાગેશે કોંગ્રેસ-જેડીએસની સરકારને આપેલો પોતોનો ટેકો પાછો ખેંચી લીધો છે અને ભાજપને પોતાનું સમર્થન આપવાની ઘોષણા કરી છે. જો કે કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા હજી મંજૂર થયા નથી. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ સરકાર બચાવવાની કવાયતમાં લાગેલા છે.
કુમારસ્વામી સરકારને બચાવવા માટે કોંગ્રેસ-જેડીએસ દરેક ફોર્મ્યુલા પર વિચારણા કરી રહ્યા છે. માનવામાં આવે છે કે બળવાખોર ધારાસભ્યોને સંતુષ્ટ કરવા માટે તેમને પ્રધાન પદ આપી શકાય છે. તેના કારણે સોમવારે કોંગ્રેસના તમામ પ્રધાનોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ દિશામાં કોંગ્રેસે પગલા પણ આગળ વધારી દીધા છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે અમારા પ્રધાનોએ સરકાર બચાવવા માટે રાજીનામા આપ્યા છે. તેવામાં અમે તે ધારાસભ્યોને પ્રધાન બનાવીને સરકારમાં સામેલ કરવાની કોશિશ કરીશું, જેમને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે અને પ્રધાન બનવા માટે ઈચ્છુક છે. સિદ્ધારમૈયાએ તેની સાથે એમ પણ કહ્યુ છે કે અમે પ્રાદેશિક આકાંક્ષાઓ અને સામાજીક દાયિત્વોને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ફેરફાર કરીશું.
સિદ્ધારમૈયા પોતાની કોશિશોમાં સફળ થતા નજરે પડી રહ્યા છે. બળવાખોર ધારાસભ્ય આનંદસિંહ માની જશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. આનંદ સિંહે કહ્યુ છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ડી. કે. શિવકુમાર સાથે વ્યક્તિગત સ્તરે વાતચીત થઈ છે. તે વખતે આનંદ સિંહે પોતાની બે માગણીઓ રજૂ કરી છે. જેમા મુખ્ય માગણી જિંદલ સ્ટીલને આપવામાં આવેલી જમીનનો મુદ્દો છે. માનવામાં આવે છે કે આનંદસિંહની વાતને માનીને કોંગ્રેસ કુમારસ્વામી સરકારને બચાવવાની દિશામાં આગળ વધી શકે છે. આનંદસિંહે ખુદ માન્યું છે કે તે ક્યાંય ગયા નથી અને વિધાનસભા ક્ષેત્રમાં છે.
કોંગ્રેસના ઘણાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પાછળ નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વરને કથિતપણે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. બેંગલુરુ ક્ષેત્રમાંથી આવતા ચાર ધારાસભ્યો એસ. ટી. સોમશેખર, બી. બાસવરાજૂ, એન. મુનિરત્ના અને રામલિંગા રેડ્ડી ભાજપની મદદ કરવાથી પાછળ હટી શકે છે, કારણ કે પરમેશ્વરથી તેમના અંગત વિરોધને ઉકેલવાની કોશિશ તેજ થઈ ગઈ છે.
પરમેશ્વરે ડેપ્યુટી સીએમના પદેથી રાજીનામું આપી દીધું છે. આ તમામ ધારાસભ્ય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાના નિકટવર્તી છે. તેવામાં સિદ્ધારમૈયા પોતાના આ નિકટવર્તી ધારાસભ્યોને પ્રધાન બનાવીને તેમની નારાજગીને દૂર કરી શકે છે.