છત્તીસગઢ પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામેના કથિત નિવેદનને લઈને ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે એફઆઈઆર દાખલ કરી છે. પોલીસે રવિવારે આના સંદર્ભે જાણકારી આપી છે. પોલીસે સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ આ એફઆઈઆર એ ફરિયાદ બાદ નોંધી છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે (સુબ્રમણ્યમ સ્વામીએ) રાહુલ ગાંધી વિરુદ્ધ કથિતપણે એક ખોટું નિવેદન આપ્યું છે. જશપુરના પોલીસ અધિક્ષક શંકરલાલ બઘેલે પીટીઆઈ-ભાષાને કહ્યુ છે કે જશપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પવન અગ્રવાલની એક ફરિયાદના આધારે શનિવારે રાત્રે પત્થલગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
અગ્રવાલે પોતાની લેખિત ફરિયાદમાં કહ્યુ છે કે સ્વામીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી કોકીન લે છે. તેમણે કહ્યુ છે કે ભાજપના નેતાને આવા પ્રકારના નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી. તેમણે ફરિયાદમાંકહ્યુ છે કે સુબ્રમણ્યમ સ્વામી ખુદ પણ જાણે છે કે તેમનું નિવેદન ખોટું છે અને જાણીજોઈને રાહુલ ગાંધીને અપમાનિત કરનારું છે. સ્વામી જાણે છે કે તેમનું નિવેદન રાજકીય પક્ષો વચ્ચેની દુશ્મનીને પ્રોત્સાહીત કરી શકે છે અને લોકોને ઉશ્કેરી શકે છે. આવા પ્રકારના નિવેદનથી લોકોની વચ્ચે શાંતિભંગ થઈ શકે છે. એસપીએ કહ્યુ છે કે આઈપીસીની 504, 505 (2) અને 511 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસના પ્રવક્તા શૈલેશ નીતિન ત્રિવેદીએ કહ્યુ છે કે સ્વામીનું નિવેદન અસ્વીકાર્ય અને ઘોર નિંદનીય છે. આનાથી રાજ્ય અને આખા દેશમાં રાહુલ ગાંધી તથા કોંગ્રેસ પાર્ટીનું અપમાન થયું છે. સ્વામીને આવા પ્રકારના ખોટા નિવેદન આપવાનો કોઈ નૈતિક અને કાયદાકીય અધિકાર નથી. રાજ્યમાં યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એનએસયૂઆઈ સહીત કોંગ્રેસના વિભિન્ન એકમો શનિવારે રાત્રિથી તમામ જિલ્લા અને વિકાસ ખંડ મુખ્યમથકોમાં પોલીસ સ્ટેશનોમાં સ્વામી સામે ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે.