શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી મોર્ટાર સેલિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં નૌશેરાનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત ગંભીર છે. ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી કરાઈ રહી છે.
આ પહેલા પુંછ જિલ્લામાં 17 જૂને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી શસ્ત્રવિરામનો ભંગ કરવા પર ભારતીય સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. સંરક્ષણ સૂત્રોએ આના સંદર્ભે જાણકારી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ અકારણ જ કૃષ્ણાઘાટી વિસ્તારમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. તો શાહપુર ક્ષેત્રમાં પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું, જેમાં બે યુવતીઓ અને સેનામાં કામ કરનાર એક કુલી ઈજાગ્રસ્ત થયો હતો.
11 જૂને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની જવાનોના અકારણ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં એક જવાન શહીદ થયો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ હતુ કે આ સાંજે પાંચ વાગ્યે થયું. લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ છે કે આ ઘટનામાં લાન્સનાયક મોહમ્મદ જાવેદ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમણે આખરી શ્વાસ લીધો હતો. તેઓ બિહારના ખગડિયા જિલ્લાના વતની હતા.