ભોપાલ: ઈન્દૌર નગરનિગમના કર્મચારીને બેટથી માર મારનારા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ભાજપે નોટિસ ફટકારી છે. આકાશને નોટિસ ભાજપ અનુશાસન સમિતિએ જાહેર કરી છે. પીએમ મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજયવર્ગીયને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે કોઈનો પણ પુત્ર હોય, તેને પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ. જો કે વડાપ્રધાન મોદીએ આકાશ વિજયવર્ગીયનું નામ લીધું ન હતું.
આના સંદર્ભે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રુડીએ જણાવ્યુ છે કે પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયને લઈને વડાપ્રધાન મોદી બેહદ નારાજ છે. તેમણે કહ્યુ છે કે આવા પ્રકારના વ્યવહારને બિલકુલ સ્વીકાર કરી શકાય નહીં.પછી ચાહે તે કોઈનો પણ પુત્ર કેમ હોય નહીં અથવા સાંસદ હોય. આવા લોકો પાર્ટીમાં હોવા જોઈએ નહીં. કોઈનામાં પણ ઘમંડ હોવું જોઈએ નહીં અને ઠીક રીતે વ્યવહાર કરવો જોઈએ.
ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયે ઈન્દૌર નગરનિગમના અધિકારીઓને બેટથી માર માર્યો હતો. તેના પછી મામલામાં આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે કોર્ટમાંથી મુક્ત થયા બાદ આકાશ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે તેમને પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. જે કર્યું તે સમજીવિચારીને કર્યું.
આના સંદર્ભે ભાજપ મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ છે કે આ ઘટના બેહદ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છેકે આકાશ વિજયવર્ગીય અને નગરનિગમના કમિશનર બંને કાચા ખેલાડી છે. આ એટલો મોટો મુદ્દો પણ ન હતો. પરંતુ આને જાણીજોઈને મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે.
તેની સાથે જ તેમણે એમ પણ ક્હ્યુ હતુ કે અધિકારીઓમાં ઘમંડ હોવું જોઈએ નહીં અને તેમણે જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. આ મામલામાં તેનો અભાવ જોવા મળ્યો હતો. આવી ઘટના ફરીથી થાય નહીં, તેના માટે બંનેએ સમજવું જોઈએ.