કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં એક રાજ્યસભા બેઠક ખાલી થઈ છે.
મદનલાલ સૈનીનું 24 જૂને દિલ્હીના એમ્સમાં 75 વર્ષની વયે નિધન થયું હતું. સૈનીને રાજ્યસભા સદસ્ય તરીકે ચૂંટાયાને છ માસ જ થયા હતા. તેવામાં પાંચ વર્ષથી વધારે સમય તેમની હાલ ખાલી બેઠક માટે બચ્યો છે.
માનવામાં આવે છે કે કોંગ્રેસના ટોચના નેતૃત્વે આ બેઠક પરથી મનમોહનસિંહને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે મદનલાલ સૈનીના નિધન બાદ જ કોંગ્રેસમાં મનમોહનસિંહને રાજ્યસભા મોકલવાની કવાયત ચાલી રહી છે.
આના પહેલા મનમોહનસિંહને તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવાને લઈને ડીએમકે સાથે વાતચીત ચાલી રહી હતી. પરંતુ ડીએમકેએ તેનું સમર્થન કર્યું નથી અને ત્રણ બેઠકો પર ખુદ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
રાજસ્થાનથી રાજ્યસભા બેઠક કોંગ્રેસના મનમોહનસિંહ માટે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ પાસે ભાજપથી વધારે ધારાસભ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધી છે. તેવામાં કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણીમાં જીતવાની આશા છે.
કોંગ્રેસની પાસે હાલ 100 ધારાસભ્ય છે અને 11 અપક્ષ ધારાસભ્યો છે. અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના ટેકેદાર છે. જ્યારે ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્ય છે. તેવામાં 200 ધારાસભ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાસે રાજ્યસભાની આ બેઠક જીતવાનો મોકો છે.
મહત્વપૂર્ણ છે કે મનમોહનસિંહનો રાજ્યસભામાં કાર્યકાળ 14 જૂને સમાપ્ત થઈ ગયો છે. તે આસામથી સતત પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. 15મી જૂન-2013ના રોજ તેમનો આખરી કાર્યકાળ શરૂ થયો તો અને તે 14 જૂન-2019ના રોજ સમાપ્ત થયો છે.