મુંબઈમાં મોનસૂનનો પહેલો વરસાદ ઘણી રાહ જોવડાવ્યા બાદ આફત બનીને આવ્યો છે. મુંબઈમાં શુક્રવારતી સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદની સાથે મુસીબતો પણ વધી રહી છે. મુંબઈમાં વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત છે. ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં શનિવારે એક દીવાલ ધ્વસ્ત થતા પાંચથી વધારે કારો તેના કાટમાળની ઝપટમાં આવી ગઈ છે. કરંટ લાગવાથી મુંબઈમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈના ગોરેગાંવમાં એક સગીરા સહીત એક પરિવારના ચાર લોકો વીજળીના તારની ઝપટમાં આવી ગયા છે અને તેમાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે.
આ સિવાય વરસાદના કારણે પાંચ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. અંડરપાસમાં જળભરાવમાં એક મલેશિયન મહિલાને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી.
શહેરમાં વરસાદને કારણે મુંબઈની જીવનરેખા મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને મુખ્ય સડકો તથા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તથા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઘણાં ઠેકાણે જળભરાવ થયો છે. વરસાદની અસર મુંબઈ લોકલ પર પણ જોવા મળી છે. મોટાભાગની ટ્રેનો પોતાના નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. તો એરપોર્ટ પર પણ વિજિબિલિટી ઓછી થવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. વરસાદ બાદ ઘણાં સ્થાનો પર જળભરાવની સમસ્યા પેદા થઈ ચુકી છે. તેના કારણે ટ્રાફિક જામ જેવી પરેશાનીઓનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. તેના સિવાય ઘણી ટ્રેનો અને વિમાનોના ઉડ્ડયન પર પણ વરસાદની અસર પડી છે. જળભરાવને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પુણેમાં ભારે વરસાદ વખતે મોટી દુર્ઘટના થઈ હતી અને તેમાં 15 લોકોના મોત અને અન્ય ત્ણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મોટાભાગના લોકો પશ્ચિમ બંગાળ અને બિહારના હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય કુર્લા સ્ટેશનની નજીક એક ઈમારતનો કેટલોક ભાગ ધ્વસ્ત થયો છે. જો કે દુર્ઘટનામાં જાનહાનિના અહેવાલ નથી.
હવામાન વિભાગે મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે, નોર્થ કોંકણમાં બીજી જુલાઈ સુધી વરસાદનું એલર્ટ છે. તેવામાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે.
તો હાઈ ટાઈડનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગે સમુદ્રના મોંજા ઊંચા ઉછળી રહ્યા છે અને લહેરોનું પાણી સડક પર આવવાની તૈયારીમાં છે.