ગૌતસ્કરીના આરોપમાં મોબ લિંચિંગના ભોગ બનીને જીવ ગુમાવનારા પહલુ ખાન સામે મામલાના બે વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરવામં આવી છે. પહલુ ખાનનું મોબ લિંચિંગ એપ્રિલ-2017માં થયું હતું અને હવે રાજસ્થાન પોલીસે કોંગ્રેસની અશોક ગહલોતની સરકારના કાર્યકાળમાં પહલુ ખાન વિરુદ્ધ જ ચાર્જશીટ દાખલ કરી છે.
આ મામલો તાત્કાલિક રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદનું કારણ બની ગયો છે. સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મૃતક પહલુખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા મામલે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે સત્તામાં આવવાથી કોંગ્રેસ પણ ભાજપ જેવી જ થઈ જાય છે. રાજસ્થાનના મુસ્લિમોએ આ વાત સમજી લેવી જોઈએ.
ઓવૈસીએ કહ્યુ છે કે સત્તામાં કોંગ્રેસ ભાજપ જેવી બની જાય છે, રાજસ્થાનના મુસ્લિમોએ આ વાત સમજી લેવી જોઈએ અને તે લોકો, સંસ્થાઓનો વિરોધ કરવો જોઈએ જે કોંગ્રેસ માટે કામ કરે છે અને તેમણે પોતાના રાજકીય પ્લેટફોર્મ વિકસિત કરવાની કોશિશ શરૂ કરવી જોઈએ. 70 વર્ષ ઘણાં હોય છે, હવે મહેરબાની કરીને બદલાય જાવ.
મહત્વપૂર્ણ છે કે હરિયાણાના વતની પહલુખાન અને તેના પુત્ર પર રાજસ્થાનના અલવરમાં કથિત ગૌરક્ષકોએ હુમલો કર્યો હતો. આરોપ હતો કે પહલુ ખાન રાજસ્થાન સરકારની મંજૂરી વગર ગાય લઈને પસાર થઈ રહ્યો હતો. પહલુ ખાન પર હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલમાં લઈને આવી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ મામલામાં બે એફઆઈઆર દાખલ થઈ હતી. એક એફઆઈઆર પહલુ ખાન પર હુમલો કરવાની વિરુદ્ધ દાખલ થઈ હતી. જ્યારે બીજી એફઆઈઆર પહલુ ખાન અને તેના પુત્ર વિરુદ્ધ થઈ હતી. તેમને બંનેને રાજસ્થાન બોવાઈન એનિમલ પ્રોહિબિશન ઓફ સ્લોટર એન્ડ રેગ્યુલેશન ઓફ ટેમ્પરરી માઈગ્રેશન એક્સપોર્ટ એક્ટ 1995ની કલમ- 5, 8 અને 9 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે.