અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની જીત પર ટ્રમ્પની શુભેચ્છાનો ઉલ્લેખ કર્યો અને તેમને ધન્યવાદ આપ્યા હતા. ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચાર મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, જેના પર અમેરિકા સાથે ચર્ચા થવાની છે.
તેમણે કહ્યુ કે તમે જીતની શુભેચ્છા આપી, તમારો ભારત પ્રત્યે પ્રેમ છે. તેના માટે આભારી છું. સમયની મર્યાદામાં જે ચાર વિષય પર ચર્ચા કરવા ચાહીશ તે છે, ઈરાન, 5જી, દ્વિપક્ષીય સબંધો અને સંરક્ષણ સંબંધો.
ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છે કે એસ-400ના મુદ્દા પર ચર્ચા થઈ નથી. ઈરાનને લઈને પ્રાથમિકપણે ધ્યાનમાં એ વાત પર આપવામાં આવ્યું હતું કે આપણે ત્યાં સ્થિરતા કેવી રીતે સુનિશ્ચિત કરીએ છીએ, કારણ કે અસ્થિરતા આપણને ઘણા પ્રકારે અસર પહોંચાડે છે. માત્ર ઊર્જા જરૂરિયાતના જ મામલામાં નહીં, પરંતુ ખાડીમાં મોટા પ્રમાણમાં પ્રવાસી ભારતીયો વસવાટ કરે છે.
તો વિદેશ સચિવે અમેરિકા-ભારત-જાપાનની ત્રિપક્ષીય વાટાઘાટો સંદર્ભે કહ્યુ છે કે આમા મુખ્ય મુદ્દો ઈન્ડો-પેસિફિક હતો. ચર્ચા એ વાત પર પણ થઈ કે ત્રણેય દેશ વચ્ચે કેવી રીતે કનેક્ટિવિટીને વધારવામાં આવે અને મૂળભૂત માળખાને કેવી રીતે મજબૂત કરવામાં આવે. તેના સિવાય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંદર્ભે એકસાથે કામ કરવાને લઈને પણ વાટાઘાટો કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે મોટો મુદ્દો ઈરાન સાથે ખનીજતેલની ખરીદીને લઈને છે. તાજેતરના તણાવને કારણે અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદયા છે અને તેની સીધી અસર ભારત પર પણ પડી રહી છે. ભારત ઈરાનથી સૌથી વધુ ખનીજતેલની આયાત કરે છે. ગત પ્રતિબંધો દરમિયાન ઈરાન ખનીજતેલના બદલામાં રૂપિયામાં ચુકવણી પણ લઈ ચુક્યું છે, પરંતુ આ વખતે અમેરિકા પ્રતિબંધો પર અડી ગયું છે. જો કે અમેરિકાએ ભારતને ભરોસો આપ્યો છે કે ખનીજતેલના પુરવઠાની આપૂર્તિમાં કોઈ ઘટાડો થવા દેવામાં નહીં આવે.
ટ્રેડ વોર પણ ભારત અને અમેરિકાના સંબંધોના માર્ગમાં નવી અડચણ બની ગયું છે. જી-20 બેઠકમાં પહોંચતા પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ મુદ્દા પર પોતાના ઈરાદા ખુલીને વ્યક્ત કરી ચુક્યા છે. બંને દેશો વચ્ચે કારોબારને લઈને તણવા ગત વર્ષે ઉભરવાનું શરૂ થયું હતું. બંને તરફથી ઈમ્પોર્ટ પર ટેક્સ વધારવામાં આવ્યો હતો. માર્ચ-2018માં અમેરિકાએ ભારતમાંથી આવનારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા અને 10 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવી દીધી હતી.
તેના જવાબમાં 21 જૂન-2018ના રોજ ભારતે અમેરિકાથી આવનારા 28 સામાન પર કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. જો કે અમેરિકાના વાંધા બાદ હાર્લે ડેવિડસન બાઈકો પર કસ્ટમ ડ્યૂટી 100 ટકાથી ઘટીને 50 ટકા કરવામાં આવી હતી.