રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના દિવંગત સદસ્ય મદનલાલ સૈનીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મંગળવારે ગૃહની કાર્યવાહીને ભોજનાવકાશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સદસ્યોને મદનલાલ સૈનીનું સોમવારે એમ્સમાં નિધન થયું હોવાની માહિતી આપી હતી. ફેંફસાના સંક્રમણથી સૈની પીડિત હતા અને તેને કારણે 75 વર્ષીય મદનલાલ સૈનીને 22 જૂને એમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
સોમવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને સાંજે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના પરિવારજનો તેમનું પાર્થિવ શરીર સોમવારે રાત્રે જ તેમના પૈતૃક ગામ લઈ ગયા હતા.
મદનલાલ સૈનીનો જન્મ રાજસ્થાનના સિકરમાં 13 જુલાઈ-1943ના રોજ થયો હતો. તેઓ મજૂર અને શ્રમ સંગઠનો સાથે જોડાયેલા હતા. ગૃહમાં તેઓ રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેઓ ભાજપના રાજસ્થાન એકમના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા હતા.
મદનલાલ સૈની વિદ્યાર્થી જીવનકાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા અને પ્રદેશ મંત્રી પણ બન્યા હતા. તેમણે બીએ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓ 1952થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. તેઓ સૌથી પહેલા 1990માં ઉદયપુરવાટીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
સદસ્યોએ મૌન પાળીને મદનલાલ સૈનીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં નાયડુએ ક્હયુ હતુ કે કાર્યવાહી શરૂ થતા પહેલા તેમણે રાજકીય પક્ષોના વરિષ્ઠ સદસ્યો સાથે ચર્ચા કરી છે, તેના આધારે ગૃહની કાર્યવાહી ભોજનાવકાશ સુધી સ્થગિત કરવામાં આવે છે.