નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લગભગ સાત માસમાં આ બીજો આંચકો છે કે જ્યારે આરબીઆઈના કોઈ ઉચ્ચ અધઇકારીએ કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પહેલા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મહત્વની વાત એ છે કે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે કાર્યકાળના પૂર્ણ થવાના છ માસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વિરલ આચાર્ય આરબીઆઈના એ મોટા અધિકારીઓમાં સામેલ હતા કે જેમને ઉર્જિત પટેલની ટીમનો હિસ્સો માનવામાં આવતા હતા.
મીડિયા અહેવાલ મુજબ, વિરલ આચાર્ય હવે ન્યૂયોર્ક યુનિવર્સિટીના સેટર્ન સ્કૂલ ઓફ બિઝનસમાં પ્રોફેસર તરીકે જોડાવાના છે. વિરલ આચાર્યે ત્રણ વર્ષ માટે આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નરના પદ પર 23 જાન્યુઆરી 2017ના રોજ જોડાયા હતા. આ હિસાબથી તેઓ લગભગ 30 માસ આરબીઆઈ માટે પોતાના પદ પર કાર્યરત રહ્યા હતા.
તાજેતરના મહિનામાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસના નિર્ણયોથી અલગ વિચાર ધરાવતા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે ગત બે મોનિટરિંગ પોલિસીની બેઠકમાં મોંઘવારી દર અને ગ્રોથરેટના મુદ્દા પર વિરલ આચાર્ય અલગ વિચાર ધરાવતા હતા. રિપોર્ટનું માનીએ તો તાજેતરની મોનિટરિંગ પોલિસીની બેઠક દરમિયાન રાજકોષીય ખાદ્યને લઈને પણ વિરલ આચાર્યે ગવર્નર શક્તિકાંત દાસના વિચારોથી અસંમતિ વ્યક્ત કરી હતી.
આ પહેલા ડિસેમ્બર-2018માં ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તું. ઉર્જિત પટેલે પોતાના નિવેદનમાં રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવ્યું હતું. ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મોદી સરકારના કાર્યકાળમાં ભારતીય ઈકોનોમીની દ્રષ્ટિએ ઉર્જિત પટેલનું ત્રીજું મોટું રાજીનામું હતું. એ પહેલા અરવિંદ સુબ્રમણ્મયે જુલાઈ – 2018માં અંગત કારણોસર મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યું હતું. તો ઓગસ્ટ 2017માં નીતિ પંચના ઉપાધ્યક્ષ રહેલા અરવિંદ પનગઢિયાએ પણ પદ છોડયું હતું.