ફારુક અબ્દુલ્લાની પાર્ટીના નેતા જાવેદ રાણાનો બકવાસ, “મોદીના ઈશારે પાકિસ્તાન વરસાવે છે ગોળીઓ!”
જમ્મુ-કાશ્મીરના મેંઢરથી ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ રાણાએ વડાપ્રધાન મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે.
પોતાના વિવાદીત વાણીવિલાસને કારણે સમાચારોમાં ચમકતા રહેતા નેશનલ કોન્ફરન્સના નેતા જાવેદ રાણાએ કહ્યુ છે કે પાકિસ્તાનની એટલી ઓકાત નથી કે તે આપણા પર ગોળીઓ વરસાવે. મોદીના ઈશારે આપણા લોકો માર્યા જાય છે. પાકિસ્તાન મોદીના નિર્દેશ પર ગોળીઓ વરસાવે છે.
જાવેદ રાણાએ આ વાત પુંછમાં આયોજીત નેશનલ કોન્ફરન્સના એક દિવસીય કાર્યકર્તા સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી.
એ પહેલા પણ જાવેદ રાણાએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યુ હતુ કે મોદી અને તેમના સંગઠનમાં એટલી તાકાત નથી કે તેઓ 35-એ અને 370ને આપણી પાસેથી છીનવી શકે. હું આને લઈને તેમને પડકાર ફેંકુ છું.
જાવેદ રાણાએ કહ્યુ છે કે આપણને અહીંથી પાકિસ્તાન જવામાં માત્ર 15 મિનિટ લાગે છે, પરંતુ આપણે પાકિસ્તાન સાથે ગઠજોડ નહીં કરીને ત્રણ દિવસના અંતરે આવેલી દિલ્હી સાથે ગઠજોડ કર્યો હતો. આવું આપણે ગોળા ખાવા માટે કર્યું ન હતું.