ટીડીપીના રાજ્યસભામાં છમાંથી ચાર સાંસદોએ પાર્ટી છોડી દીધી છે. આ ચારેય સાંસદોએ ગૃહમાં ટીડીપીનું ભાજપમાં વિલિનીકરણનો પ્રસ્તાવ પણ પારીત કર્યો છે. આ ચાર સાંસદોમાં
– ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વાય. એસ. ચૌધરી ઉર્ફે સુજાના ચૌધરી, સી. એમ. રમેશ, પોલિટ બ્યૂરોના સદસ્ય ગારિકપતિ મોહન રાવ અને ટી. જી. વેંકટેશનો સમાવેશ થાય છે. આ સાંસદો ભાજપના મુખ્યમથકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં ભાજપમાં પણ જોડાયા છે.
સવારથી દિલ્હીથી આવી રહેલા અહેવાલો મુજબ, ટીડીપીના રાજ્યસભાના ચાર સાંસદોમાં- ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વાય. એસ. ચૌધરી ઉર્ફે સુજાના ચૌધરી, સી. એમ. રમેશ, પોલિટ બ્યૂરોના સદસ્ય ગારિકપતિ મોહન રાવ અને ટી. જી. વેંકટેશે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા હતી.
ટીડીપીના આ ચારેય સાંસદોએ ગુરુવારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ ચારેય સાંસદો રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની સાથે સાંજે મુલાકાત કરી છે.
આ ચારેય સાંસદો ટીડીપી છોડીને ભાજપમાં જોડાયા છે, તેને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ માટે પડયા પર પાટું જેવો ઘાટ માનવામાં આવે છે. ચંદ્રાબાબુ નાયડુને આંધ્રપ્રદેશની ચૂંટણીમાં કારમી હાર મળી છે અને આવા સંજોગોમાં રાજ્યસભામાં જ્યારે વિપક્ષની સ્થિતિ થોડીક મજબૂત છે, ત્યારે ટીડીપીના ચાર સાંસદોનું ભાજપમાં જવું ચંદ્રાબાબુની રાજનીતિને મોટો આંચકો છે.
ચંદ્રાબાબુ નાયડુ પોતાના પરિવાર સાથે યુરોપ વેકેશન ગાળવા માટે ગયા હતા અને તેમના માટે આ ઘમો મોટો આંચકો હશે. જો કે સુજાનાએ પુરતી હિંટ્સ આપી હતી કે તેઓ ભાજપમાં જોડાવાના છે.
તાજેતરમાં એક ન્યૂઝચેનલને તેમમે કહ્યુ હતુ કે તેઓ અન્ય પાર્ટીમાં સામેલ થશે, તો તેમના પાર્ટીના પ્રમુખને આની જાણકારી આપશે. આ ઈન્ટરવ્યૂમાં ચંદ્રાબાબુ નાયડુ સામે કેટલીક તીખી ટીપ્પણીઓ કરી હતી.
તો સી. એમ. રમેશ કેટલાક દિવસોથી સંસદમાં વાઈએસઆર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે. પરંતુ અન્ય બે સાંસદોનું ટીડીપીમાંથી ભાજપમાં જોડાવાનું વલણ ખરેખર રાજકીય વર્તુળ માટે પણ એક આંચકો માનવામાં આવે છે.