અનંતનાગ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકની અંદર બીજું એન્કાઉન્ટર થયું છે. સુરક્ષાદળોએ વધામા વિસ્તારમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો છે.
હાલ સુરક્ષાદળો તરફથી અહીં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. છેલ્લા અહેવાલમાં સેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાલ એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી છે. મંગળવારે સવારે બેથી ત્રણ આતંકીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. બાદમાં અહીં ઓપરેશન હાથ ધરાયું હતું.
આ પહેલા અનંતનાગમાં સોમવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક મેજર શહીદ થયા હતા અને એક આતંકવાદી ઠાર થયો હતો. અથડામણમાં એક મેજર સહીત ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત પણ છે. પોલીસ સૂત્રો પ્રમાણે, અનંતનાગના બિદૂરા ગામમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે અને તેમની લાશોને જપ્ત કરવામાં આવી છે. પરંતુ હવે કહેવામાં આવે છે કે ઘટનાસ્થળે માત્ર એક આતંકીની લાશ મળી આવી છે.
એક પોલીસ અધિકારીએ કહ્યુ છે કે સોમવારે સાંજે સમાપ્ત થયેલી અથડામણમાં સેનાના એક અધિકારી શહીદ થયા છે અને એક અધિકારી સહીત ત્રણ જવાનો ઘાયલ થયા છે. તેમણે કહ્યુ છે કે ઘાયલ સૈનિકોને શ્રીનગર શહેરમાં સેનાની બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પ્રમાણે, બિદારૂ ગામમાં છૂપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ગોળીબાર દરમિયાન ગંભીરપણે ઘવાયેલા મેજરે હોસ્પિટલમાં લઈ જતી વખતે અંતિમ શ્વાસ લીધો હતો. એક સૂત્રનું કહેવું છે કે અથડામણના સ્થાન પર ફરીથી શરૂ થયેલા ગોળીબારમાં એક મેજર ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું નિધન થયું હતું.
રાષ્ટ્રીય રાઈફલ્સ અને રાજ્ય પોલીસકર્મીઓના વિશેષ અભિયાન સમૂહે આતંકવાદીઓની હાજરીના ઈનપુટ્સ બાદ અચબલ ક્ષેત્રના બિદૂરા ગામની ઘેરાબંધી કરી હતી અને બાદમાં બંને તરફ ગોળીબાર સાથે અથડામણની શરૂઆત થઈ હતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદની લાશ મળી આવી છે અને તેની ઓળખ થઈ રહી છે.