નવી દિલ્હી: કોલકત્તામાં ડોક્ટરો પર હુમલાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળના મામલામાં દાખલ જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટ ઝડપથી સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આના સંદર્ભે સુનાવણી કરવાનું નિર્ધારીત કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરવામાં આવી છે. તેની સાથે જ કોલકત્તા મેડિકલ કોલેજમાં ડોક્ટરો પર હુમલો કરનારાઓની વિરુદ્ધ કડક કાર્યવાહીનો પશ્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપવાની પણ માગણી કરવામાં આવી છે.
જણાવવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે. સોમવારે દેશબરના ડોક્ટરો ઓપીડી બંધ રાખશે. તો કર્ણાટકના આરોગ્ય પ્રધાન શિવાનંદ પાટિલે ડોક્ટરોને આ વિરોધનું સમર્થન કરીને ડોક્ટરોને પ્રતીકાત્મક વિરોધ વ્યક્ત કરવાની અપીલ કરી હતી અને દર્દીઓને મુશ્કેલી પડે નહીં તેવું જોવા માટે જણાવ્યું હતું.
આરોગ્ય પ્રધાન શિવાનંદ પાટિલે કહ્યુ છે કે હું સોમવારે આપવામાં આવેલા વિરોધના એલાન સાથે સંમત છું. ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવી આપણી જવાબદારી છે. અમારું મંત્રાલય કોઈપણ ડોક્ટર પર હુમલાની નિંદા કરે છે. પરંતુ હું ખાનગી અને સરકારી તમામ ડોક્ટરોને અનુરોધ કરું છું કે તેઓ માત્ર પ્રતીકાત્મક રીતે આ વિરોધમાં ભાગ લે અને સુનિશ્ચિત કરે કે કોઈ દર્દીને આનાથી મુશ્કેલી થાય નહીં.
પાટિલે કહ્યુ છે કે આ વિરોધને પ્રતીકાત્મક રીતે થવા દેવામાં આવે અને મને વિશ્વાસ છે કે લોકો પણ તમારું સમર્થન કરશે અને મને ભરોસો છે કે તમે તમામ ગરીબ દર્દીઓની સેવા કરવાનું પોતાનું કર્તવ્ય પૂર્ણ કરશો.
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના હડતાળિયા ડોક્ટરોએ રવિવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત દ્વારા ગતિરોધ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે વિસંગતિઓથી બચવા માટે વાતચીતનું મીડિયા કવરેજ થવું જોઈએ.
હડતાળના છઠ્ઠા દિવસે જનરલ બોડીની બેઠક બાદ એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિરોધ કરી રહેલા તબીબોના એક પ્રતિનિધિએ મીડિયાને કહ્યુ હતું કે અમારા મુખ્યપ્રધાનની આખરી પ્રેસ કોન્ફરન્સ વિસંગતિઓથી ભરેલી છે. જેનું કારણ અમારા વિરોધ પ્રદર્શન અને સરકારની આના પર પ્રતિક્રિયા પાછળ ખોટી મનસા જણાવવામાં આવી છે. માટે સ્પષ્ટીકરણની જરૂરત છે. આ હડતાળથી સરકારી આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે.