MP: કમલનાથ સરકારના પ્રધાને ક્હ્યુ- ઈન્ટરનેશનલ ફર્મ 300 ગૌશાળા બનાવવા માટે તૈયાર, ટૂંક સમયમાં થશે કામ શરૂ
ભોપાલ: મધ્યપ્રદેશની કમલનાથ સરકાર હાલના વર્ષમાં ગાયોની દેખરેખને સુનિશ્ચિત કરવા માટે 60 ગૌશાળા બનાવવા જઈ રહી છે. રાજ્યના પશુપાલન પ્રધાન લાખનસિંહ યાદવે કહ્યુ છે કે એક ઈન્ટરનેશનલ કંપનીએ ગૌશાળા બનાવવા માટે રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. અમે ટૂંક સમયમાં આના સંદર્ભે કામગીરી શરૂ કરીશુ.
તેમણે કહ્યુ છે કે એક આંતરરાષ્ટ્રીય ફર્મ રોકાણ કરવા ચાહે છે અને તેમનું લક્ષ્ય 300 ગૌશાળાના નિર્માણનું છે. તેમનું લક્ષ્ય એક વર્ષમાં 60 ગૌશાળા નિર્માણ કરવાનું છે. તેમણે જમીનની માગણી કરી છે અને અમે તેમને આશ્વાસન આપ્યું છે. અમે તેમની સાથે પહેલી મુલાકાત કરી છે અને ખૂબ જલ્દીથી અહીં કામ શરૂ કરશે.
મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની રાહ પર ચાલતા ગૌસુરક્ષા માટે ગૌશાળા બનાવવાનો વાયદો કર્યો હતો. આ વાયદાને હકીકત બનાવવાની કવાયત શરૂ થઈ ચુકી છે. મધ્યપ્રદેશ સરકારે કહ્યું છે કે રાજ્યમાં 614 ગૌશાળાઓ છે, જે ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત છે અને રાજ્યમાં અત્યાર સુધી એકપણ સરકારી ગૌશાળા નથી.