કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી તબીબોની હડતાલ વચ્ચે કોલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કહ્યું છે કે તેઓ તાત્કાલિક હડતાલ કરી રહેલા તબીબો સાથે વાતચીત કરે અને મામલાને ઉકેલે. એટલું જ નહીં હાઈકોર્ટે મમતા સરકારને સવાલ કર્યો છે કે તેમણે તબીબોની સુરક્ષા માટે શું પગલા ઉઠાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે એક જૂનિયર ડોક્ટરની સાથે મારપીટથવાને કારણે રાજ્યભરમાં તબીબો હડતાલ કરી રહ્યા છે.
શુક્રવારે આ મામલા પર કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટ દ્વારા રાજ્યની મમતા બેનર્જી સરકારને હડતાલ કરી રહેલા તબીબો સાથે વાત કરવા માટે જણાવ્યુ છે અને વાતચીત દ્વારા સંપૂર્ણ સમાધાન કરવાનું પણ કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે જ ડોક્ટરોએ એલાન કર્યું હતું કે તેઓ હડતાલ પર જશે અને શુક્રવારે સવારે આમ જ થયું.
બંગાળના તબીબોનું સમર્થન આખા દેશમાં કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી સહીતના ઘણાં રાજ્યો અને મોટા શહેરોમાં તબીબો હડતાલ કરી રહ્યા છે. સડકો પર દેખાવો થઈ રહ્યા છે. આ હડતાલને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
10મી જૂને નીલરત્ન સરકાર મેડિકલ કોલેજમાં ઈલાજ દરમિયાન 75 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આક્રોશિત પરિવારજનોએ ઘટનાસ્થળે રહેલા તબીબોને ગાળો આપી હતી. બાદમાં તબીબોએ કહ્યુ હતુ કે જ્યાં સુધી પરિવારજનો તેમનાથી માફી નહીં માંગે અમે પ્રમાણપત્ર આપીશું નહીં.
આ મામલામાં ફરીથી હિંસા ભડકી અને થોડાક સમય બાદ હથિયારો સાથે ભીડે હોસ્ટેલમાં હુમલો કર્યો હતો. જેમાં બે જૂનિયર તબીબો ગંભીરપણે ઘાયલ થયા હતા. જ્યારે અન્ય કેટલાકને ઈજાઓ પહોંચી હતી. તેના પછી જ્યારે મમતા બેનર્જીએ હડતાલ કરી રહેલા તબીબોની ટીકા કરી, તો મામલાએ ખાસું તૂલ પકડયું હતું. એઆરએસ કોલેજના પ્રિન્સિપલ અને વાઈસ પ્રિન્સિપલ પોતાના રાજીનામા આપી ચુક્યા છે.