નવી દિલ્હી: મોદી સરકારે દેશના ટેલીકોમ સેક્ટરમાં એક નવી ક્રાંતિ માટે કમર કસી છે. 4જી બાદ હવે ટેલિકોમ સેક્ટર પાંચમી પેઢીની સેવાઓ એટલે કે 5Gમાં ઝડપથી ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર આ સૌથી મહત્વકાંક્ષી ડિજિટલ પહેલ હેઠળ સ્પેક્ટ્રમની હરાજીથી છ લાખ કરોડ રૂપિયા એકઠા કરે તેવું અનુમાન છે.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સ્પેક્ટ્રમ હરાજી બાદ દેશમાં સસ્તી 5G સેવાઓ શરૂ થઈ જશે. જેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ફાઈબર ટુ ધ હોમ ઈન્ટરનેટ સેવા પણ સામેલ છે. દૂરસંચાર મામલામાં નિર્ણય કરનારી સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા ડિજિટલ કમ્યુનિકેશન કમિશન દ્વારા આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પ્રમાણે 8600 મેગા હર્ટ્ઝ મોબાઈલ એરવેવ્ઝની હરાજી કરવામાં આવશે. આ હરાજી આ વર્ષના આખર સુધીમાં થવાની શક્યતા છે.
5Gનો અર્થ પાંચમી પેઢીની મોબાઈલ નેટવર્ક ટેક્નોલોજી છે. તેનાથી ખાસ કરીને ઈન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે અને ઘણી ઝડપથી બ્રોડબેન્ડ સેવાઓ ઉપલબ્ધ થશે. તેના કારણે હેલ્થ, એજ્યુકેશન જેવા સેક્ટરોમાં ઈન્ટરનેટ આધારીત સેવાઓ આપવાની સરળ રહેશે. તેનાથી સ્માર્ટ ડ્રાઈવિંગ, સ્માર્ટ સિટી, સ્માર્ટ હોમ, રિમોટ સર્જરી જેવી સેવાઓ સુલભ થઈ જશે. એવું અનુમાન છે કે 5Gમાં ઈન્ટરનેટની સ્પીડ 4જી કરતા 100 ગણા સુધી વધુ હશે.
અખબારને ટેલિકોમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે જો રિઝર્વ પ્રાઈસ પર જ સ્પેક્ટ્રમનું વેચાણ થશે, તો સરકાર ઓછામાં ઓછા 5.8 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરશે. જો કે સરકાર હરાજીમાં વધુમાં વધુ રકમ પ્રાપ્ત કરવા ચાહે છે. તેના સિવાય આ વાત પર પણ ભાર મૂકવામાં આવશે કે ટેલિકોમ સેવાઓ સમાવેશી હોય એટલે કે ગામ, શહેરો, અમીરો-ગરીબો સૌના માટે આ સેવાઓનો ફાયદો મળી શકે.
5Gને સમાવેશી અને સોશયલ બનાવવાની પણ યોજના છે. તેનો અર્થ છે કે 5Gનો ઉપયોગ સ્માર્ટ કારો, સ્માર્ટ સિટીમાં તો થાય જ, ગ્રામીણ સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓમાં પણ આ ઉપયોગ થઈ શકે છે.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સ્પેક્ટ્રમ હરાજી સફળ રહી ન હતી અને માત્ર 40 ટકા સ્પેક્ટ્રમની જ હરાજી થઈ શકી હતી. માટે આ વખતે ડીસીસીએ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ પાસે આના સંદર્ભે સૂચનો માંગાવ્યા હતા કે નવા તબક્કાની હરાજી કેવી રીતે કરવામાં આવે.
ડીસીસીના સદસ્યોને લાગે છે કે સ્પેક્ટ્રમ ઘણી કિંમતી વસ્તુ છે અને જો તેનું વેચાણ નહીં થઈ શકે, તો તેનો કોઈ ફાયદો નહીં થઈ શખે. સરકાર ટૂંક સમયમાં 5Gનું ટ્રાયલ શરૂ કરવાની યોજના પણ બનાવી રહી છે અને તેના માટે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, એરિક્શન, નોકિયા અને સેમસંગ જેવી કંપનીઓને સામેલ કરી શકાય છે. ઘણાં સ્ટાર્ટ – અપ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ ટ્રાયલ શરૂ કરી શકાય છે.
આ યોજનાનું સૌથી મહત્વપૂર્ણ બિંદુ એ છે કે 5G સેવાઓનો ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રસાર સુનિશ્ચિત કરવામાં આવશે. તેના માટે પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપનો માર્ગ અપનાવાય શકાય છે. તેના પ્રમાણે ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર ગ્રામી ક્ષેત્રમાં ખોલવામાં આવશે અને તેના દ્વારા એક લાખ ગ્રામ પંચાયતોને ઓછામાં ઓછા બે વાઈફાઈ હોટસ્પોટ આપવામાં આવશે.