શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જશે. તેઓ 15મી જૂને અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરીને આશિર્વાદ લેશે. ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના લોકસભામાં ચૂંટાયેલા 18 સાંસદો પણ 15મી જૂને અયોધ્યામાં જઈને રામલલાના દર્શન કરશે.
શિવસેનાએ લોકસભાની ચૂંટણી પહેલા પણ રામમંદિર નિર્માણનો મામલો ઉઠાવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર રામમંદિર નિર્માણની માગણી શિવસેના દ્વાર કરવામાં આવી હતી. તેમા ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના સાંસદોના અયોધ્યા જવાની વાત પણ કરવામાં આવી હતી.
શિવસેનાએ કહ્યુ હતુ કે દેશમા રામરાજ્યનું નિર્માણ થાય, તેના માટે કરોડો લોકોએ મોદીને ખોબલેને ખોબલે વોટ આપ્યા છે. શિવસેનાએ કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણની કોશિશ કરવામાં આવે. આ કોઈ ગુનો નથી.
સામનામાં લખવામાં આવ્યું હતું કે મોદીએ રામરાજ્યની કટિબદ્ધતા વ્યક્ત કરી છે અને આ શ્રીરામનું કામ છે. રામનું કામ કરવાથી હવે તેમને કોણ રોકશે? જેમણે રોકવાની કોશિશ કરી તે રાવણ, વિભિષણ, કંસમામા વગેરેની ટોળકીને લોકોએ ઘરે બેસાડી દીધી છે. શિવસેનાએ કાયદા અને સુપ્રીમ કોર્ટની સંમતિથી રામનિર્માણની વાત કરી હતી.