લોકતાંત્રિક હોવાનો કોંગ્રેસનો દંભ: પીએમ મોદીના વખાણ કરનારા ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લાકુટ્ટીની પાર્ટીમાંથી હકાલપટ્ટી
તિરુવનંતપુરમ: કોંગ્રેસના કેરળ યુનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા પાર્ટીના વરિષ્ઠ નેતા એ. પી. અબ્દુલ્લાકુટ્ટીને દરવાજો દેખાડયો છે. બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અબ્દુલ્લાકુટ્ટીને એટલા માટે હાંકી કાઢવામાં આવ્યા, કારણ કે તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીના શાસનમાં ગાંધીવાદી મોડલનું અનુસરણ કરાઈ રહ્યું છે.
જ્યારે કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી, તો અબ્દુલ્લાકુટ્ટી તરફથી આપવામાં આવેલા જવાબના કોંગ્રેસ પાર્ટીએ સંતોષજનક માન્યો નહીં. કેરળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રને એક પ્રેસ નિવેદનમાં કહ્યુ હતુ કે અબ્દુલ્લાકુટ્ટી દ્વારા આપવામાં આવેલો જવાબ તિરસ્કારપૂર્ણ હતો અને સંતોષજનક પણ ન હતો.
તેમણે કહ્યુ છે કે તેમનું સ્પષ્ટીકરણ સ્વીકાર્ય નથી અને વડાપ્રધાન મોદીની પ્રશંસા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવ્યા બાદ પણ તેમણે રાજ્યના પાર્ટીના નેતાઓની ટીકા કરવાનું ચાલુ રાખ્યું. રામચંદ્રનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માટે, તેમને પાર્ટીની શિસ્તના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ મામલામાં પ્રતિક્રિયા આપતા અબ્દુલ્લાકુટ્ટીએ જણાવ્યુ હતુ કે જ્યારે રામચંદ્રને કહ્યુ હતુ કે સ્પષ્ટીકરણ માંગવાની પણ કોઈ જરૂરત નથી, ત્યારે સ્પષ્ટ થઈ ગયુ હતું કે મને બહાર કરી દેવામાં આવશે.
પોતાના પત્તા છૂપાવીને રાખતા અબ્દુલ્લાકુટ્ટીએ એ સ્પષ્ટ કરવાનો ઈન્કાર કર્યો હતો કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે અથવા નહીં. જો કે જાણકારોનું કહેવું છે કે કન્નૂરના વતની અબ્દુલ્લાકુટ્ટી કર્ણાટકના સીમાવર્તી જિલ્લા મંગલોર ચાલ્યા ગયા છે અને ભાજપામાં લઘુમતી ચહેરા તરીકે તેમના સામેલ થવાની સંભાવના છે.