CM યોગીનો મોટો નિર્ણય: કેબિનેટ મીટિંગમાં ફોન નહીં લઇ જઇ શકે મંત્રીઓ, લાગ્યો પ્રતિબંધ
ઉત્તરપ્રદેશમાં હવે કેબિનેટ મીટિંગ દરમિયાન મંત્રીઓના મોબાઈલ ફોન લઈ જવા પર કથિત રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આ નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કડકાઈનું કારણ જાસૂસીના ખતરાને ઓછો કરવાનું છે. આ ઉપરાંત મીટિંગની વચ્ચે ફોન આવવાને કારણે ઘણીવાર મીટિંગમાં વિઘ્ન આવે છે. ઘણીવાર મંત્રીઓ મીટિંગ દરમિયાન જ મેસેજ વાંચવા લાગતા હતા.
મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધી યોગીની કેબિનેટ મીટિંગમાં મંત્રીઓને ફોન લાવવાની પરવાનગી તો હતી પરંતુ તેને સ્વિચ ઓફ્ફ કે સાયલન્ટ મોડમાં રાખવો પડતો હતો, પરંતુ હવેથી ફોનને મીટિંગ રૂમની બહાર જ જમા કરાવવો પડશે. હજુ પણ કેટલાક મંત્રીઓ પોતાનો ફોન ખાનગી સેક્રેટરી પાસે છોડીને જ જતા હતા.
નવો નિયમ લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે એટલા માટે સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય લેવાનું કારણ મહત્વની મીટિંગોમાં સભ્યોને ગંભીરતાથી હાજરી આપવા માટે પ્રેરિત કરવાનું પણ છે. યોગી આદિત્યનાથને સરકારના કામકાજ અને અનુશાસન પ્રત્યે અતિશય ગંભીર નેતા માનવામાં આવે છે.