નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી માટે બનાવેલી વિશેષજ્ઞ સમિતિએ સિલેબસમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને સામેલ કરવા જેવી ભલામણો લાગુ કરવાનો મુસદ્દો સોંપ્યો છે. આ ડ્રાફ્ટમાં રાષ્ટ્રીય શિક્ષણ પંચની રચના અને ખાનગી સ્કૂલો દ્વારા મનસ્વીપણે ફી વધારવા પર રોક લગાવવા જેવી ભલામણો સામેલ છે.
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હરિદ્વારના લોકસભાના સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે જ માનવ સંસાધન વિકાસ પ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો છે અને કમિટીએ તૈયાર કરેલો મુસદ્દો તેમને સોંપી દીધો છે. પોલિસીના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનમાં ભારતીય યોગદાન અને ઐતિહાસિક સંદર્ભને જ્યાં પણ પ્રાસંગિક હશે, હાલના સ્કૂલના સિલેબસ અને ટેક્સ્ટ બુક્સમાં સામેલ કરવામાં આવશે.
નવી પોલિસીના ડાફ્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે ખાનગી સ્કૂલોને પોતાની ફી નક્કી કરવા માટે આઝાદી આપવામાં આવે, પરંતુ તે આમા મનસ્વીપણે વધારો કરી શકે નહીં, તેના માટે ઘણાં સૂચનો આપવામાં આવ્યા છે. સમિતિએ ભારપૂર્વક કહ્યું છે કે શિક્ષણ અને ભણવા-ભણાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય કરવું જોઈએ.
તેની સાથે જ તેમણે કહ્યુ છે કે ગણિત, એસ્ટ્રોનોમી, ફિલોસોફી, મનોવિજ્ઞાન, યોગ, આર્કિટેક્ચર, ઔષધિ સાથે જ શાસન, શાસનવિધિ, સમાજમાં ભારતનું યોગદાન જેવા વિષયો સામેલ કરવામાં આવે.
આ મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે નિયમિત ધોરણે દેશમાં શિક્ષણના દ્રષ્ટિકોણને વિકસિત કરવા, મૂલ્યાંકન કરવા અને સંશોધન કરવા માટે એક નવી ટોચની સંસ્થા રાષ્ટ્રીય શિક્ષણ પંચ અથવા એનઈસીની રચના કરવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે હાલની શિક્ષણ નીતિ 1986માં તૈયાર થઈ હતી અને 1992માં તેમા સંશોધન કરવામાં આવ્યું હતું. નવી શિક્ષણ નીતિ 2014ને લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવી હતી.
વિશેષજ્ઞોએ ભૂતપૂર્વ કેબિનેટ સચિવ ટી. એસ. આર. સુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી એક સમિતિના રિપોર્ટને પણ ધ્યાન પર લીધો હતો. ઈસરોના ભૂતપૂર્વ પ્રમુખ કે. કસ્તૂરીરંગનના નેતૃત્વવાળી કમિટીમાં ગણિતજ્ઞ મંજુલ ભાર્ગવ સહીત આઠ સદસ્ય હતા. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સમિતિની રચના કરી હતી, તે વખતે સ્મૃતિ ઈરાની મંત્રાલયનો પ્રભાર સંભાળી રહ્યા હતા.