25 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સાથે અમેરિકા ગયા હતા આ બીજેપી સાંસદ, આજે બની શકે છે કેબિનેટ મંત્રી
વરિષ્ઠ બીજેપી નેતા અને સિકંદરાબાદથી સાંસદ જી. કિશન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારમાં મંત્રી બની શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બીજેપી હાઇકમાન તરફથી સાંસજ જી. કિશન રેડ્ડીને ફોન પણ કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેલંગણામાં પહેલીવાર બીજેપીએ ચાર લોકસભા સીટ જીતી છે. આ ચારેય સીટ્સ પર બીજેપીને જીત અપાવવામાં જી. કિશન રેડ્ડીએ મોટી ભૂમિકા ભજવી છે. એટલા માટે બીજેપી હાઇકમાન રેડ્ડીને મંત્રીપદ આપી શકે છે. એટલે જ કદાચ તેઓ આજે દિલ્હી પણ પહોંચ્યા છે.
તેલંગણાના સામાન્ય પરિવારમાંથી આવતા જી. કિશન રેડ્ડી વિશે કહેવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણા નજીક છે. રેડ્ડીની કેટલીક જૂની તસવીરો સામે આવી છે જેમાં તેઓ સંઘમાં રહીને નરેન્દ્ર મોદીની સાથે 1994માં અમેરિકા ટુર પર ગયા હતા.
જી. કિશન રેડ્ડીના રાજકીય કરિયર વિશે વાત કરવામાં આવે તો તે સ્કૂલના દિવસોથી જ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. પછી તેઓ 1977માં જનતા પાર્ટીમાં પાર્ટી કાર્યકર્તા તરીકે સામેલ થયા, જેનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે કર્યું હતું.
પછી 2004માં તેઓ પહેલીવાર ચૂંટણીમાં ઉતર્યા અને હિમાયતનગર ચૂંટણી વિસ્તારમાંથી આંધ્રપ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા. 2009 અને 2014માં પણ તેમણે જીત નોંધાવી હતી. તેઓ અંબરપેટ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટાયા.
આ ઉપરાંત તેઓ ત્રણ વાર સંયુક્ત આંધ્રપ્રદેશના બીજેપી પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેઓ તેલંગણામાં પણ યુનિટ ચીફ રહ્યા છે.
આ ઉપરાંત જી. કિશન રેડ્ડી ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહીને પણ કામ કરી ચૂક્યા છે. તેઓ નરેન્દ્ર મોદી સાથે તે સમયથી જોડાયેલા છે જ્યારથી તે સંઘમાં રહ્યા છે.