કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીયુ સરકાર પર સંકટ અને બંને પાર્ટીઓમાં મતભેદોના સમાચારોની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વર વચ્ચે મીટિંગ થઈ. આ મીટિંગમાં કોંગ્રેસના રાજ્ય પ્રમુખ દિનેશ ગુંડૂ રાવ, મંત્રી ડીકે શિવકુમાર, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પણ સામેલ થયા.
આ પહેલા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કેસી વેણુગોપાલ રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ નેચાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરીને સંકટને દૂર કરવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પણ કર્ણાટક જવાનું હતું, પરંતુ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત પછી ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની મુલાકાત રદ થઈ ગઈ.
હકીકતમાં લોકસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા હતા કે 23 મે પછી કોંગ્રેસ-જેડીયુની સરકાર જતી રહેશે. કેટલાક દિવસો પહેલા જ કર્ણાટક કોંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપ નેતા એસ.એમ. કૃષ્ણા સાથે મુલાકાત કરી હતી, જેનાથી આ અટકળો વધુ તીવ્ર થઈ ગઈ હતી.
કર્ણાટકની કુલ 28 લોકસભા સીટ્સમાંથી આ વખતે ભાજપને 25 સીટ્સ મળી છે જ્યારે કોંગ્રેસ-જેડીયુને 1-1 સીટ મળી છે. એક સીટ અપક્ષના સાંસદના ખાતે ગઈ છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 225 વિધાનસભા સીટ્સમાંથી ભાજપને 104, કોંગ્રેસને 78, જનતા દળ (એસ)ને 37, બસપાને 1 અને અન્યને ત્રણ સીટ્સ પર જીત મળી હતી.