એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાને ગુરૂવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇડીની ટીમ વાડ્રાને લંડનની પ્રોપર્ટી અને તેમના અંગત ગણાતા સંજય ભંડારી વિશે સવાલ કરી શકે છે. ઇડીનું કહેવું છે કે લંડન પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે અને તેમાં કાળા નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલા ઇડીએ દિલ્હી હાઇકોર્ટમાંથી રોબર્ટ વાડ્રાના જામીન રદ કરવાની અપીલ કરી હતી. ઇડીની આ અરજી પર હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને શોકોઝ નોટિસ પણ જાહેર કરી છે અને કહ્યું છે કે તેમના જામીન કેમ રદ કરવામા ન આવે. ઇડી તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કારણકે રોબર્ટ વાડ્રા જાણે છે કે તેમની ધરપકડ કરી શકાય એમ નથી એટલે તેઓ કોઇ સવાલનો જવાબ નથી આપી રહ્યા. પરિણામે તેમના જામીન રદ થવા જરૂરી છે, કારણકે ઇડી તેમને કસ્ટડીમાં લઇને તેમની પૂછપરછ કરવા માંગે છે. આ તમામ દલીલો પર સુનાવણી પછી કોર્ટે વાડ્રાને નોટિસ મોકલીને કેસની આગામી સુનાવણી માટે 17 જુલાઈનો દિવસ નક્કી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નીચલી કોર્ટે પરવાનગી વગર દેશ ન છોડવા અને જરૂર પડ્યે તપાસમાં સામેલ થવાની શરત પર વાડ્રાને એક એપ્રિલના રોજ આગોતરા જામીન આપ્યા હતા. ઇડીએ નીચલી કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.