નવી દિલ્હી: ભાજપની આગેવાનીવાળા એનડીએના નવનિર્વાચિત સાંસદોની આજની બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટવાની ઔપચારીકતા પૂર્ણ કરશે. બાદમાં રાત્રે આઠ વાગ્યે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એવું જણાવવામાં આવે છે કે એનડીએ સાંસદોની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સાંજે પાંચ વાગ્યે યોજાઈ રહી છે. આના પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સાંસદોની સાથે બેઠક યોજાઈ રહી છે. માનવામાં આવે છે કે મોદી સાંસદોને સંબોધિત પણ કરે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદીને પહેલા જ એનડીએના નેતા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. તેવામાં આ બેઠકને એક પ્રકારે ઔપચારીકતા માનવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો જીતી ચુક્યું છે અને એનડીએને 350 બેઠકો પ્રાપ્ત થઈ છે. સરકારની રચનાને લઈને ચાલી રહેલી ગરમાગરમી વચ્ચે પાર્ટીના ઘણાં નેતાઓનો એવો વિચાર છે કે અમિત શાહ, પીએમ મોદી પ્રધાનમંડળમાં હશે અને તેને ગૃહ, નાણાં, વિદેશ અને સંરક્ષણમાંથી કોઈ એક મંત્રાલય આપવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની સામે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ છે. તેવામાં તેમના નવી સરકારમાં સામેલ કરવાને લઈને શંકાઓ છે. જેટલી રાજ્યસભાના સાંસદ છે અને તેઓ 2014ની ચૂંટણીમાં અમૃતસરની બેઠક પરથી હારી ગયા હતા. સુષ્મા સ્વરાજે ગત ચૂંટણી મધ્યપ્રદેશના વિદિશથી લોકસભાની બેઠક પર પર જીત મેળવી હતી. જો કે આ વખતે તેઓ પણ ચૂંટણી લડયા નથી.
આ બંને નેતાઓએ નવી સરકારમાં સામેલ થવું અથવા નહીં થવું તેના પર કોઈ ટીપ્પણી કરી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે પણ આના સંદર્ભે પુછવામાં આવેલા સવાલોને ટાળી દેવાયો અને કહ્યુ છે કે આ પાર્ટી અને વડાપ્રધાનનું અધિકાર ક્ષેત્ર છે.
એવી આશા છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ નવી સરકારમાં મુખ્ય ભૂમિકામાં રહે તેવી શક્યતા છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાંથી પરાજીત કર્યા છે. તેવામાં આશા કરવામાં આવે છે કે સ્મૃતિ ઈરાનીને પાર્ટી કોઈ મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.
જ્યારે રાજનાથસિંહ, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ,પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, પ્રકાશ જાવડેકરને નવા પ્રધાનમંડળમાં ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. જેડીયુ અને શિવસેનાને પણ નવા કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. બંને પક્ષોને અનુક્રમે 16 અને 18 બેઠકો પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય પ્રધાનમંડળમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાથી નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતુ કે પ્રધાનમંડળમાં ઘણાં યુવાન ચહેરાઓને સ્થાન આપવાની સંભાવના છે, કારણ કે ભાજપનું નેતૃત્વ પાર્ટીની બીજી કતાર તૈયાર કરવા ચાહે છે. 17મી લોકસભાની રચના ત્રીજી જૂન પહેલા કરવાની છે. આના સંદર્ભે ત્રણ ચૂંટણી કમિશનરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા અને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી તેમને સોંપવામાં આવી છે.