16મી લોકસભાની જેમ જ 17મી લોકસભામાં પણ મુસ્લિમ સાંસદોની ટકાવારી પાંચ ટકાથી ઓછી રહેશે, કારણ કે આ વખતે મુસ્લિમ સમુદાયમાંથી આવતા નવનિર્વાચિત સાંસદોની સંખ્યા 25 છે. ગત લોકસભાની સરખામણીએ મુસ્લિમ સાંસદોની સંખ્યામાં મામૂલી વધારો થઈ શક્યો છે.
આ વખતે ચૂંટણીમાં 25 મુસ્લિમ સાંસદો ચૂંટાયા છે. જ્યારે 2014ની ચૂંટણીમાં 23 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા. આનો અર્થ એ છે કે આ વખતે પણ લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ પાંચ ટકાથી ઓછું છે. ભારતમાં મુસ્લિમોની વસ્તી અંદાજે 14 ટકા જેટલી છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ છ મુસ્લિમ સાંસદો ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયા છે. જો કે 2014માં લોકસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમ સાંસદ યુપીથી લોકસભામાં પહોંચ્યો ન હતો. પરંતુ બાદમાં કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં કેરાનાથી મુસ્લિમ સાંસદ ચૂંટાયા હતા.
યુપીમાં સપા-બસપા ગઠબંધન ભલે સફળ રહ્યું હોય નહીં, પરંતુ આના કારણે છ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. સમાજવાદી પાર્ટીના આઝમખાન રામપુરથી, બસપાના કુંવર દાનિશ અલી અમરોહાથી, બસપાના અફઝાલ અંસારી ગાઝીપુરથી, સમાજવાદી પાર્ટીના ડૉ. એસ.ટી. હસન મુરાદાબાદથી, બસપાના હાજી ફઝલુર્રહમાન સહરાનપુરથી અને બસપાના ડૉ. શફીકુર્રહમાન બર્ક સંભલથી જીત્યા છે.
આ સિવાય પશ્ચિમ બંગાળમાંથી ચાર, જમ્મુ-કાશ્મીરમાંથી ત્રણ, કેરળમાંથી ત્રણ, બિહારમાંથી બે, આસામમાંથી બે, તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ, લક્ષદ્વીપ અને તમિલનાડુમાંથી એક-એક મુસ્લિમ સાંસદ લોકસભામાં ચૂંટાયા છે.
આઝાદ ભારતના ઈતિહાસમાં 1952માં 11 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચી શક્યા હતા. તો 1957માં 19, 1962માં 20, 1967માં 25, 1971માં 28, 1980માં 49 અને 1984માં 42 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા. 1989માં 27, 1991માં 25, 1996માં 29, 1998માં 28, 1999માં 31 મુસ્લિમ સાંસદો લોકસભામાં ચૂંટાયા હતા. જ્યારે 2004માં 34, 2009માં 30 અને 2014માં 23 મુસ્લિમ સાંસદો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.