કોંગ્રેસમાં રાજીનામાની મોસમ શરૂ, CWCની બેઠકમાં રાહુલ ગાંધી અધ્યક્ષપદેથી રાજીનામું આપે તેવી શક્યતા!
નવી દિલ્હી: 2014ની જેમ જ 2019માં પણ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાવી પડી છે. જેને કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. 25મી મેના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતાઓને લઈને મીડિયા અહેવાલોમાં અટકળબાજી શરૂ થઈ છે.
સૂત્રોનું કહેવું છે કે 23મી મેના રોજ ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા માંગતા હતા. કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને માત્ર 87 બેઠકો જ પ્રાપ્ત થઈ છે. જો કે રાહુલ ગાંધીને રાજીનામું આપતા તેમના માતા અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ અટકાવ્યા હતા. અહેવાલો મુજબ, તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી જો રાજીનામું આપવા ઈચ્છતા હોય, તો તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેને રજૂ કરવુ જોઈએ.
ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને જીત બદલ અભિનંદન આપીને પોતાની હારની કબૂલાત કરી હતી
કોંગ્રેસની કારમી હારમાં સૌથી શરમજનક બાબત સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠી ખાતેની 55 હજારથી વધુ વોટોથી મળેલી હાર હતી.
જ્યારે ભાજપે મધરાત્રિ સુધી જાહેર થઈ ચુકેલા 458 બેઠકોના પરિણામમાંથી 272ના મેજિક ફિગરને સ્પર્શી લીધો હતો અને 543માંથી ભાજપ 300 બેઠકો પાર પહોંચી છે. ભાજપને 31 બેઠકોમાં સરસાઈ મળી છે અને આ બેઠકો પર પણ પરિણામ જાહેર થઈ રહ્યા છે. ભાજપને 2014માં 282 બેઠકો જીતવામાં સફળતા મળી હતી.
68 વર્ષીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને તેના નેતૃત્વવાળું એનડીએ 350 આસપાસ બેઠક જીત્યું છે અને તેને 2014માં 336 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
જેડીએસના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા કર્ણાટકની તુમકુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે અને ભાજપને કર્ણાટકમાં 28માંથી 25 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની શક્યતાઓની અટકળબાજી વચ્ચે લોકસભાની ચૂંટણી 2019માં અમેઠી ખાતે પાર્ટી અધ્યક્ષની હારની જવાબદારી લેતા અમેઠી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ યુપીના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર, કર્ણાટકના પ્રદેશ પ્રમુખ એચ. કે. પાટિલ અને ઓડિશાના પ્રદેશ પ્રમુખ નિરંજન પટનાયકે પોતાના રાજીનામા પાર્ટી હાઈકમાન્ડને સોંપી દીધા છે.
કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એચ. કે. પાટિલે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલતા કહ્યુ છે કે આ સમય સૌના માટે આત્મવિશ્લેષણનો છે. હું મહેસૂસ કરું છું કે જવાબદારી લેવી મારી નૈતિક ફરજ છે. માટે હું મારા પદ પરથી રાજીનામું આપું છું.
કોંગ્રેસ પાર્ટીને વંશવાદથી મુક્ત કરવાની ચર્ચાઓ વચ્ચે તેને પુનર્જીવિત કરવા માટેની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણાએ કહ્યુ છે કે દિલ્હી અને કર્ણાટકમાં વંશવાદી રાજકારણને નિર્ણાયક પ્રહાર કરવામાં આવ્યો છે. મને લાગે છે કે લોકો વંશવાદી રાજકારણની રાજરમતને જોઈ રહ્યા છે. કોંગ્રેસ એક નાનકડી પાર્ટી પાર્ટી તરીકે જ બાકી બચી છે. કોંગ્રેસમાં વંશવાદી રાજકારણ પ્રત્યેના ગાંડપણે તેની આવી દશા કરી છે.