લોકસભા ચૂંટણી: હાથમાં ગ્લોવ્ઝ પહેરીને વોટર્સ સાથે હાથ મિલાવતી હતી TMCની આ સેલિબ્રિટી ઉમેદવાર
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામો પર લોકોની નજર છે. રાજકીય પાર્ટીઓ સહિત તમામ લોકોને 23મી મેની રાહ છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની ઘણી સીટ્સ પર વોટ્સ પડ્યા. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પહેલી લોકસભા ચૂંટણીમાં જાદવપુરથી સીપીઆઇએમના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે આ સીટની કમાન ટીએમસી ચીફે બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તીને સોંપી છે.
મિમિ ચક્રવર્તી ટીવી સિરિયલ ‘ગનેર ઓપારે’ની સાથે જ ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. તેણે વર્ષ 2012માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ટીવીથી લઇને સિનેમાની દુનિયામાં ઘણી ભૂમિકાઓ ભજવી અને તે એક વિશ્વસનીય કલાકાર તરીકે પોતાને પ્રસ્થાપિત કરવામાં સફળ રહી.
બીજેપીએ લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસી ઉમેદવાર મિમિ પર સતત હુમલાઓ કર્યા અને તેની ગ્લેમરસ ઇમેજના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ કરવામાં આવી. ગત દિવસોમાં મિમિનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં મિમિ લોકોની સાથે હાથ મિલાવતી જોવા મળી રહી છે. જોકે વીડિયોમાં તેમના હાથમાં ગ્લોવ્ઝ જોવા મળ્યા. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે મિમિ વોટર્સનું અપમાન કરી રહી છે.
જોકે મિમિની ટીમ સાથે જોડાયેલા લોકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી કેમ્પેન દરમિયાન તેના હાથ પર નખના નિશાન બની ગયા છે અને ભયંકર ગરમીમાં તેના હાથ દાઝી જતા હતા એટલે તેણે વોટર્સને મળતી વખતે ગ્લોવ્ઝનો ઉપયોગ કર્યો હતો.