એન્જિનમાંથી તણખા નીકળતા ચેન્નઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ પ્રવાસીઓ સુરક્ષિત
ચેન્નઈમાં એક વિમાનના એન્જિનમાં તકનીકી ખરાબી આવવાને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જે વિમાન એસસીઓ 567નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તે સ્કૂટ એરવેઝનું છે. આ ફ્લાઈટ ત્રીચીથી સિંગાપુરના પ્રવાસે હતી. આ વિમાનના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા.
એન્જિનમાંથી તણખા નીકળવાની માહિતી તાત્કાલિક પ્રવાસીઓએ પાયલટ સુધી પહોંચાડી હતી. બાદમાં ફ્લાઈટને નીચે રનવે પર ઉતારવામાં આવી હતી. પ્રવાસીઓ પ્રમાણે, વિમાનના જમણી તરફના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ 161 પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
તકનીકી વિશેષજ્ઞ વિમાનની તપાસ કરી રહ્યા છે કે આખરે ક્યાં કારણથી વિમાનના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાયલટે પોતાની સુઝબુઝથી 89 લોકોના જીવ બચાવ્યા હતા. લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું પૈંડુ જામ થઈ ગયું હતું. તેમ છતાં પણ પાયલટે સુઝબુઝથી ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ પાયલટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.