ગૂગલે શનિવારે ફારસી ગણિતજ્ઞ ઉમર ખય્યામની 971મી જન્મજયંતી પર એક રચનાત્મક અને વિશેષ ડૂડલ સમર્પિત કર્યું. ઉમર ખય્યામ ક્યુબિક ઇક્વેશન્સના વર્ગીકરણ અને તેનો ઉકેલ લાવવાના તેમના કામ માટે પ્રખ્યાત છે. ખય્યામ ગણિતમાં કૌશલ્ય ઉપરાંત પ્રખ્યાત જ્યોતિર્વિદ અને કવિ પણ હતા.
તેમને જન્મ 18 મે, 1048ના રોજ ઉત્તર પૂર્વી ઇરાનના નિશાપુરમાં થયો હતો. તેમનું નિધન 4 ડિસેમ્બર, 1131ના રોજ થયા પછી તેમને ખય્યામ ગાર્ડનમાં દફનાવવામાં આવ્યા હતા. પૂર્વોત્તર ઇરાનના નિશાપુરમાં જન્મેલા ખય્યામે પોતાનું મોટાભાગનું જીવન કારાખાનિદ અને સેલ્જુક શાસકોના દરબારમાં વીતાવ્યું. ક્યુબિક ઇક્વેશન્સના વર્ગીકરણ અને તેમનો ઉકેલ લાવવા પર આધારિક તેમનું કામ તે સમયનું અભૂતપૂર્વ કામ છે. ખય્યામ ક્યુબિક ઇક્વેશન્સનો સરળ ઉકેલ લાવનારા પહેલા વ્યક્તિ હતા.
ઉમર ખય્યામ અંતરિક્ષ અને જ્યોતિષ સાથે સંકળાયેલા હતા અને તેના કારણે તેમણે આ ક્ષેત્રોમાં પણ ઘણું કામ કર્યું હતું. તેમણે આ દિશામાં કામ કરીને એક સૌરવર્ષનું અંતર છ ડેસિમલ પોઇન્ટ સુધી શોધી કાઢ્યું હતું.
વર્ષ 2012માં પણ સર્ચ એન્જિને ખય્યામનો 964મો જન્મદિવસ પણ વિશેષ ડૂડલને સમર્પિત કરીને ઊજવ્યો હતો. ભારત ઉપરાંત ડૂડલ રશિયા, મધ્યપૂર્વ, ઉત્તરી આફ્રિકી દેશો, અમેરિકા અને ચિલીમાં ગૂગલના યુઝર્સને જોવા મળશે.