રાજકારણમાં પ્રવેશ કરી ચૂકેલા અભિનેતા સની દેઓલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. દેઓલ ગુરદાસપુર લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. દેઓલ સાથે મુલાકાત પછી મોદીએ તેમની સાથે એક ફોટો શેર કર્યો અને ટ્વિટ કર્યું, “મને સની દેઓલની માનવતા અન એક શ્રેષ્ઠ ભારત માટેના તેમના ઝનૂને પ્રભાવિત કર્યો. આજે તેમને મળીને સારું લાગ્યું. અમે ગુરદાસપુરમાં તેમની જીતની કામના કરીએ છીએ.”
વડાપ્રધાને સની દેઓલની સુપરહિટ ફિલ્મ ‘ગદર’નો એક સંવાદ પણ લખ્યો, “અમે બંને સહમત છીએ- હિંદુસ્તાન ઝિંદાબાદ હૈ, થા ઔર રહેગા.”
ઉલ્લેખનીય છે કે અભિનેતા ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ ગુરદાસપુરમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડનો મુકાબલો કરશે. ભૂતકાળમાં આ સીટનું પ્રતિનિધિત્વ દિવંગત વિનોદ ખન્નાએ કર્યું હતું. પંજાબમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે.