શુક્રવારે એક વ્યક્તિએ બેંગાલુરુ પોલીસને કોલ કરીને દાવો કર્યો કે કર્ણાટક સહીત આઠ રાજ્યોમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાની સાજિશ થઈ રહી છે. આ વ્યક્તિના દાવા બાદ પોલીસ હરકતમાં આવી તી. જ્યારે મામલાની તપાસ કરવામાં આવી, ત્યારે કૉલ નકલી નીકળ્યો હતો. આ ખોટો ફોન કોલ 65 વર્ષીય એક ડ્રાઈવરે કર્યો હતો. નકલી કૉલ કરનારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે આ કોલ બાદ કર્ણાટક પોલીસના મહાનિદેશક અને આઈજી અધિકારીઓએ અન્ય સાત રાજ્યો તમિલનાડુ, કેરળ, પુડ્ડુચેરી, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીજીપીને પત્ર લખીને એલર્ટ રહેવા તાકીદ કરી હતી.
શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે સ્વામીસુંદર નામના આરોપીએ ખુદને લોરી ડ્રાઈવર ગણાવીને બેંગાલુરુ પોલીસને કોલ કર્યો અને દાવો કર્યો કે કર્ણાટક સહીત આઠ રાજ્યોમાં આતંકવાદી ટ્રેનોમાં હુમલો કરે તેવી શક્યતા છે. તેની સાથે જ જણાવવામાં આવ્યું હતું કે તમિલનાડુના રામનાથપુરમમાં 19 આતંકીઓ હાજર છે. જાણકારી મળતા જ કર્ણાટક પોલીસે અન્ય સંબંધિત રાજ્યોની પોલીસને પત્ર લખીને જરૂરી પગલા ભરવા તાકીદ કરી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે એક અન્ય વ્યક્તિએ ચેન્નઈ પોલીસ કાર્યાલયમાં કોલ કરીને રામેશ્વરમમાં મશહૂર પંબન સી બ્રિજને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તેના પછી પોલીસે સ્નિફર ડોગ્સ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોર્ડની સાથે જઈને વિસ્તારમાં સર્ચ ઓપરેશનની શરૂઆત કરી હતી. અહીં પંબન અને રામેશ્વરમને જોડનારા સડક અને રેલવે બ્રિજોની તપાસ કરવાની સાથે રોડ બ્રિજ પર ચાલી રહેલા વાહનોની પણ તલાશી લેવાઈ રહી છે.