સેનામાં મહિલાઓની ભરતી માટે થઈ શકશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, સંરક્ષણ મંત્રાલયે આપી મંજૂરી
ભારતીય સૈન્યએ પહેલીવાર મહિલાઓની ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. રક્ષા મંત્રાલયે પણ તેની મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં સેના પોલીસમાં પહેલીવાર મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. તેમનું કહેવું હતું કે સેના પોલીસની કુલ સંખ્યામાં મહિલાઓની ભાગીદારી 20% થશે. મહિલાઓની ભરતી પીબીઓઆર (પર્સનલ બિલો ઓફિસર રેન્ક) રોલમાં કરવામાં આવશે.
સેના પોલીસમાં સામેલ થનારી મહિલાઓ દુષ્કર્મ અને છેડતી જેવા મામલાઓની તપાસ કરશે. સેના પોલીસનું કામ સૈન્ય પ્રતિષ્ઠાનોની સાથે કેન્ટોન્મેન્ટ વિસ્તારોની દેખરેખ કરવાનું હોય છે. સેના પોલીસ શાંતિ અને યુદ્ધના સમયે જવાનો અને સાજ-સરંજામની હેરફેરને સંચાલિત કરે છે. સેના પોલીસમાં 800 મહિલાઓની ભરતી કરવામાં આવશે. મહિલાઓનો વાર્ષિક ભરતી દર 52 રહેશે. અત્યાર સુધી સેનાની મેડિકલ, સિગ્નલ, એજ્યુકેશન અને એન્જિનિયરિંગ કોરમાં મહિલાઓને ભરતી કરવામાં આવે છે. મહિલાઓને યુદ્ધમાં સામેલ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
સંરક્ષણમંત્રી સુભાષ ભામરેએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે સેનામાં મહિલાઓની ભાગીદારી 3.80% છે, જ્યારે વાયુસેનામાં 13.09% અને નૌસેનામાં 6% મહિલાઓ છે.