ઉત્તરપ્રદેશના કાનપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બોયલર ફાટવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને આ દુર્ઘટનામાં અન્ય ઘણાં લોકોના ઈજાગ્રસ્ત થવાના પણ અહેવાલછે. આ દુર્ઘટના નાઈટ્રોજન સિલિન્ડર અને બોયલર બ્લાસ્ટને કારણે સર્જાઈ હતી. અતિ સંવેદનશીલ ફેકટરી એરિયામાં વિસ્ફોટને કારણે દોડધામ સર્જાઈ હતી.
આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઘણાની હાલત ગંભીર છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આ ફેક્ટરીમાં ધનુષ તોપ બનાવવામાં આવે છે.
આયુધ નિર્માણ ફેકટરીમાં થયેલી દુર્ઘટનામાં જબલપુરના આસિસ્ટન્ટ એન્જિનિયર એમ. એસ. રાજપૂત સહીત ત્રણના મોતના અહેવાલ છે. સાત ઈજાગ્રસ્તોમાં આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રતાપસિંહ, પંકજ શ્રીવાસ્તવ,સંદીપ કેલકરની સાથે રામચંદ્ર ગુપ્તા, કરુણા શંકર, એગ્ઝામિનર એમ. પી. મહતો વગેરેનો સમાવેશ થાય છે.