ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર, કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા
- રાજ્યમાં 24 કલાકમાં 800થી વધારે દર્દીઓ થયાં સાજા
- અત્યાર સુધીમાં 32 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 24 કલાકમાં જ 919 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર ગયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત 900થી વધારે પોઝિટિવ કેસ આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાત લેશે. તેમજ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરશે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 919 કેસ નોંધાયાં હતા. સૌથી વધારે સુરતમાં કેસ સામે આવ્યાં હતા. સુરત શહેરમાં 217, અમદાવાદ શહેરમાં 168, વડોદરા શહેરમાં 63, સુરત ગ્રામ્યમાં 48, ભાવનગર શહેરમાં 35, જુનાગઢ 32, ભરૂચ 29, રાજકોટ શહેરમાં 26, રાજકોટ ગ્રામ્યમાં 25, ગાંધીનગરમાં 21, ખેડામાં 20, સુરેન્દ્રનગરમાં 20 અને દાહોદમાં 16 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાકમાં 828 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 32 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે.
કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 4,99,170 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ હાલ વિવિધ જિલ્લામાં 3.56 લાખ લોકો ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં 24 કલાકમાં 10 દર્દીઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 2091 ઉપર પહોચ્યો છે.