કોરોનાની રસીને લઈને અમદાવાદ ગ્રામ્યમાં 2.75 લાખ લોકોની યાદી કરાઈ તૈયાર
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં કોરોનાની રસી આવી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની રસીને લઈને અત્યારથી જ 2.75 લોકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. તેમજ વિવિધ બીમારીથી પીડિતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
અમદાવાદના કલેકટરના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્યમાં 2.75 લાખ વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત 7500 જેટલા હેલ્થકેર વર્કરની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કરનો સમાવેશ થાય છે. તેમજ 50થી વધુની ઉંમરના લોકોની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક જ સમયમાં આ યાદી પણ તૈયાર કરી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરો વાયરસની રસીને લઈને અમદાવાદ શહેરના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સાથે બેઠક મળી હતી. જેમાં કોરોના વાયરસની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદમાં પ્રથમ તબક્કામાં કોરોનાની કામગીરી સાથે જોડાયેલા 50 હજાર લોકોને પણ રસી આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસની રસીને લઈને યાદી તૈયાર કરવામાં આવશે.